VIDEO: સતત બે IPL ટ્રોફી જીતનાર રજત પાટીદારને કેમ ન મળ્યું ટીમમાં સ્થાન? અજીત અગરકરે આપ્યો જવાબ
આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ માટે થયેલી ટીમ ઈન્ડિયાની પસંદગીમાં પહેલીવાર વૈભવ સૂર્યવંશી અને મીડિયમ પેસર પ્રિન્સ યાદવની ટીમ ઈન્ડિયામાં પસંદગી ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બનેલી છે, તો હાલમાં જ પોતાની કેપ્ટનશિપમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને સતત બીજી ટ્રોફી જીતાડનારા રજત પાટીદારની ઉપેક્ષાને લઈને પણ વાતો થઈ રહી છે. આ સિઝનમાં પાટીદારનું એક અલગ જ સ્વરૂપ બધાએ જોયું અને તેણે ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરતા ખિતાબી સફર દરમિયાન ઘણી યાદગાર ઈનિંગ્સ રમી. તેમ છતાં પણ પાટીદારને ટીમમાં જગ્યા ન મળી. આ જ બાબતે પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે સ્પષ્ટતા કરી કે પાટીદાર કેમ જગ્યા બનાવવામાં સફળ ન રહ્યો.
ટેલેન્ટ વધુ, ટીમમાં જગ્યા મર્યાદિત
ટીમની જાહેરાત બાદ મીડિયાને સંબોધિત કરતા, ચીફ સિલેક્ટર અગરકરે સ્વીકાર્યું કે પસંદગી બેઠક દરમિયાન પાટીદાર સહિત ઘણા ખેલાડીઓના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. અગરકરે એ વાત પર ભાર મૂક્યો કે ભારતીય ક્રિકેટમાં ઉપલબ્ધ વિશાળ ટેલેન્ટ પૂલના કારણે પસંદગી પ્રક્રિયા અત્યંત સ્પર્ધાત્મક બનેલી છે. તેના મતે, દેશનું પ્રતિનિધિત્વ કરવાની યોગ્યતા ધરાવતા ઘણા ખેલાડીઓ પણ અનિવાર્ય રૂપે ટીમમાં જગ્યા બનાવવાથી ચૂકી જાય છે, કારણ કે ટીમમાં પસંદગી માટે મર્યાદિત જ જગ્યાઓ છે.
પસંદ કરાયેલા ખેલાડીઓ પૂરા હકદાર
પ્રેસ કોન્ફરન્સમાં આ સવાલ પર અગરકરે કહ્યું, "અમે ઘણા ખેલાડીઓ વિશે ચર્ચા કરી. પરંતુ જેઓ પસંદ કરાયા, તેઓ પૂરા હકદાર હતા. ભારતમાં ઘણા સારા ખેલાડીઓ છે. અહીં ઘણા એવા ખેલાડીઓ છે, જે ટીમમાં પસંદ થવા માટે ખૂબ જ સારા છે. પરંતુ જે ખેલાડીઓ રમી રહ્યા છે, તેઓ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અમને લાગે છે કે અમે એક સારી ટીમ પસંદ કરી છે. એવામાં કેટલાક ખેલાડીઓ જગ્યા બનાવવાથી ચૂકી પણ જશે, પરંતુ અમે સારી ટીમ પસંદ કરી છે અને અમે તેનાથી ખુશ છીએ.'
IPL 2026ના શાનદાર પ્રદર્શનની અવગણના
પાટીદારના IPL 2026ના આંકડા એ સાફ રીતે દર્શાવે છે કે પાટીદારને ટીમમાં સામેલ ન કરવા પર આટલી ચર્ચા કેમ થઈ રહી છે. આ જમણા હાથના બેટ્સમેને આ સિઝનમાં 192.69ના આશ્ચર્યજનક સ્ટ્રાઈક રેટથી 501 રન બનાવ્યા. ફાસ્ટ બોલિંગ અને સ્પિન બંને પર હાવી થવાની ક્ષમતાએ પાટીદારને આ ટુર્નામેન્ટના સૌથી ખતરનાક મિડલ ઓર્ડર બેટ્સમેનોમાંનાથી એક બનાવી દીધો તેમ છતાં પણ ભારતીય ટીમમાં સિલેક્શન ન થતાં ઘણા ફેન્સને વાત આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે.

