VIDEO: ઈતિહાસ રચવાની નજીક છે વૈભવ સૂર્યવંશી, આયર્લેન્ડ ટૂર માટે થયો શોર્ટલિસ્ટ
ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી પોતાની વિસ્ફોટક ઈનિંગ્સથી ફેન્સનું મનોરંજન કરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ માટે પાંચમી મેચ સિવાય IPL 2026માં તેનું બેટ ખૂબ ચાલી રહ્યું છે. ક્રિકેટ નિષ્ણાતો, ફેન્સ અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ તરફથી આ 15 વર્ષના 'વન્ડર બોય' ને ભારતની સિનિયર ટીમમાં તક આપવાની માંગ વધી રહી છે. આ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની શકે છે. IPL પછી વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરી શકે છે. જો આવું થાય, તો તે ક્રિકેટ ઈતિહાસમાં ભારત માટે ડેબ્યુ કરનાર સૌથી યુવા ક્રિકેટર બનશે. એક અહેવાલ મુજબ, BCCI સિલેક્ટર્સે આયર્લેન્ડ ટૂર માટે વૈભવ સૂર્યવંશીને શોર્ટલિસ્ટ કર્યો છે.
ટીમ ઈન્ડિયા જૂનમાં આયર્લેન્ડનો પ્રવાસ કરશે
ટીમ ઈન્ડિયા IPL 2026 પછી તરત જ જૂનમાં આયર્લેન્ડનો પ્રવાસ કરવાની છે, જ્યાં તે યજમાન ટીમ સામે બે T20I મેચ રમશે.સિરીઝની પહેલી મેચ 26 જૂને અને બીજી 28 જૂને રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા મર્યાદિત ઓવર્સની ક્રિકેટ સિરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જેમાં પાંચ T20I અને ત્રણ ODI મેચ રમાશે. જુલાઈમાં, ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો પણ પ્રવાસ કરશે, જ્યાં 23થી 26 જુલાઈ વચ્ચે ત્રણ મેચ રમાશે.
સૂર્યવંશી ટીમ ઈન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ જોડાઈ શકે છે
એક અહેવાલમાં BCCIના એક સૂત્રને ટાંકીને કહ્યું કે, "તેના નામ પર આયર્લેન્ડ ટૂર માટે વિચારણા કરવામાં આવી રહી છે. સિલેક્ટર્સે તેનું નામ કેટલાક અન્ય ખેલાડીઓ સાથે શોર્ટલિસ્ટ કર્યું છે."
રિપોર્ટમાં જણાવાયું છે કે 15 વર્ષીય લેફટી બેટ્સમેનને આયર્લેન્ડ ટૂર તેમજ ઝિમ્બાબ્વે ટૂર માટે ટીમ ઈન્ડિયાની સ્કવોડમાં સામેલ કરી શકાય છે. ભારત આ વર્ષે ઝિમ્બાબ્વેનો પણ પ્રવાસ કરવાનું છે.
રિપોર્ટ અનુસાર, મોટાભાગના સિનિયર ખેલાડીઓને આયર્લેન્ડ ટૂર માટે આરામ આપવામાં આવશે, જેનાથી નવા ખેલાડીઓને તક મળશે. ત્યારબાદ, સિનિયર ખેલાડીઓ 1 જુલાઈથી શરૂ થનારા ઈંગ્લેન્ડ ટૂર માટે પાછા ફરશે.
ભારત માટે સૌથી ઓછી ઉંમરે ડેબ્યુ કરવાની તક
જો વૈભવ સૂર્યવંશી જૂનમાં આયર્લેન્ડ ટૂર પર ટીમ ઈન્ડિયા સાથે જોડાય છે અને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે છે, તો તે ભારત માટે ડેબ્યુ કરનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર બનશે. પુરુષ ક્રિકેટર્સ માટે આ રેકોર્ડ હાલમાં મહાન સચિન તેંડુલકરના નામે છે, જેણે 1989માં માત્ર 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. પુરુષો અને મહિલાઓ બંને માટે ભારત માટે સૌથી નાની ઉંમરનો ડેબ્યૂ કરવાનો રેકોર્ડ શેફાલી વર્માના નામે છે. તેણે ભારતીય મહિલા ટીમ માટે 15 વર્ષ, 7 મહિના અને 27 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. જો વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ ટૂર પર ડેબ્યુ કરશે, તો તે ફક્ત સચિન તેંડુલકરનો જ નહીં પરંતુ શેફાલી વર્માનો રેકોર્ડ પણ તોડી નાખશે.

