VIDEO: RRને લાગ્યો મોટો ઝટકો, સદી ફટકાર્યા બાદ ઈજાગ્રસ્ત થયો વૈભવ સૂર્યવંશી; પંજાબ સામે રમવા પર સસ્પેન્સ
IPL 2026માં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની ફિટનેસને લઈને ચિંતાના વાદળો છવાયા છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં તોફાની સદી ફટકાર્યા બાદ, ફિલ્ડિંગ દરમિયાન વૈભવને હેમસ્ટ્રિંગની તકલીફ થતા તે મેદાનની બહાર જતો રહ્યો હતો.
શું છે ઈજાની સ્થિતિ?
મેચની ત્રીત્રીજી ઓવર દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે વૈભવને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અનુભવાયું હતું. તે લંગડાતા ચાલતો જોવા મળ્યો અને ફિઝિયોની મદદથી મેદાનની બહાર જવું પડ્યું હતું. બેટિંગ કોચ વિક્રમ રાઠોરે રાહત આપતા જણાવ્યું કે, વૈભવની ઈજા હાલ ગંભીર નથી જણાતી, પરંતુ તેની સંપૂર્ણ સ્થિતિ આગામી એક-બે દિવસમાં સ્પષ્ટ થશે.
PBKS સામેની મેચમાં રમશે કે નહીં?
રાજસ્થાન માટે ચિંતાની વાત એ છે કે, 28 એપ્રિલે તેનો સામનો અત્યારે અજેય ફોર્મમાં રહેલી પંજાબ કિંગ્સ (PBKS) સામે છે. પંજાબ સતત 6 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. જો વૈભવ ફિટ નહીં થાય તો રાજસ્થાને પોતાના ઓપનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવો પડશે.
વૈભવની જગ્યાએ કોણ લેશે એન્ટ્રી?
જો વૈભવ સૂર્યવંશી પંજાબ સામેની મેચ ગુમાવે છે, તો ટીમ પાસે બે મુખ્ય વિકલ્પો છે.
1. અમન રાવ પેરાલા - 21 વર્ષીય અમન રાવ ડેબ્યુ કરી શકે છે. વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી ચૂકેલા અમનનો 162નો શાનદાર સ્ટ્રાઈક રેટ છે.
2. લુઆન-ડ્રે પ્રિટોરિયસ - જો ટીમ વિદેશી ખેલાડીને ઓપનિંગમાં લાવવા માંગતી હોય, તો પ્રિટોરિયસને મોકો મળી શકે છે, પણ તેના માટે શિમરોન હેટમાયરને ટીમમાંથી બહાર બેસાડવો પડી શકે છે.
વૈભવ ટીમ માટે ખુબ જ મહત્ત્વપૂર્ણ
રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ જીતવી અનિવાર્ય છે, કારણ કે હૈદરાબાદ સામે 229 રન બનાવ્યા હોવા છતાં ટીમ તેનો બચાવ નહતી કરી શકી. હવે જોવાનું એ રહેશે કે શું યુવા વૈભવ સમયસર રિકવર થઈને મેદાનમાં પરત ફરે છે કે નહીં.

