આયર્લેન્ડ સામે પ્લેઈંગ-11માં સ્થાન ન મળતા વૈભવ ઈતિહાસ રચવાથી ચૂક્યો, કેપ્ટન ઐય્યરે જણાવ્યું આ કારણ

આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી નથી. આ મેચ પહેલાં એવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી હતી કે તેને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવશે, પરંતુ અંતે તેની બાદબાકી થઈ છે. આ મેચથી શ્રેયસ અય્યર T20 ક્રિકેટમાં પહેલીવાર ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી રહ્યો છે.
સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટતા બચ્યો
જો વૈભવ સૂર્યવંશી આ મેચમાં ડેબ્યૂ કરી લેત, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે રમનારો ખેલાડી બની જાત. તેની પાસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સૌથી યુવા વયે ડેબ્યૂ કરવાના ઐતિહાસિક રેકોર્ડને તોડવાની સુવર્ણ તક હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં. આ મેચમાં ભારત તરફથી અભિષેક શર્મા અને સંજુ સેમસન ઓપનિંગ જોડી તરીકે મેદાને ઉતર્યા છે.
કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવ્યું કારણ
વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ-11ની બહાર રાખવા અંગે કેપ્ટન અય્યરે ખુલાસો કર્યો છે. અય્યરે જણાવ્યું કે વૈભવ ખૂબ જ શાનદાર ખેલાડી છે, પરંતુ ટીમમાં એવા ઘણા પ્લેયર્સ છે જેમણે છેલ્લી કેટલીક સિરીઝમાં ભારત માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. અમે એવા ખેલાડીઓને પ્રાથમિકતા આપવા માંગતા હતા જેમણે સાતત્ય જાળવી રાખ્યું છે. વૈભવને યોગ્ય સમય આવ્યે ચોક્કસ મોકો મળશે.
IPL 2026માં મચાવી હતી ધમાલ
વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે આખી સિઝનમાં 237થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે સૌથી વધુ 776 રન ફટકાર્યા હતા. આ ધમાકેદાર રમતને કારણે જ આ 15 વર્ષીય ખેલાડીની ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી. ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ સ્વીકાર્યું હતું કે વૈભવના પર્ફોર્મન્સે સિલેક્ટર્સને તેને ટીમમાં લેવા મજબૂર કર્યા હતા.
બંને ટીમોની પ્લેઈંગ-11
ભારત: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
આયર્લેન્ડ: ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકીપર/કેપ્ટન), બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, લિયામ મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રીઝ, જય મૂંદ્રા, મેથ્યુ હોલાર્ડ.

