VIDEO: દુલીપ ટ્રોફી ફાઈનલમાં તિલક વર્મા અને વૈભવ સૂર્યવંશી વચ્ચે થઈ બોલાચાલી, અમ્પાયરે કરવો પડ્યો હસ્તક્ષેપ
ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી દુલીપ ટ્રોફી (2026-27) ની ફાઈનલ મેચ દરમિયાન મેદાન પર વાતાવરણ ભારે ગરમ થઈ ગયું હતું. સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા અને ઈસ્ટ ઝોનના યુવા વાઈસ કેપ્ટન વૈભવ સૂર્યવંશી વચ્ચે બોલાચાલી થતાં વિવાદ સર્જાયો હતો. મામલો એટલો વધી ગયો હતો કે બંને વચ્ચે વાત અમ્પાયર સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે સ્થિતિ થાળે પાડવા અમ્પાયરે વચ્ચે આવી બચાવ કરવો પડ્યો હતો.
સ્લેજિંગથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો
અહેવાલો અનુસાર, મેચ દરમિયાન બેટિંગ કરી રહેલા કે રમતના કોઈ ચોક્કસ તબક્કે તિલક વર્માએ 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને લક્ષ્ય બનાવી સ્લેજિંગ કરતાં ટિપ્પણી કરી હતી. તિલકે વૈભવને કહ્યું હતું કે, 'ક્યા યાર, યે વાઈસ કેપ્ટન….' આ ટિપ્પણી સાંભળીને વૈભવ પણ શાંત રહ્યો નહતો અને તેણે તિલકને વળતો જવાબ આપ્યો હતો.
બંને ખેલાડીઓ એકબીજાની નજીક આવી ગયા હતા અને તેની વચ્ચે ઉગ્ર તુ-તુ-મેં-મેં શરૂ થઈ ગઈ હતી. સ્થિતિ વણસતી જોઈને મેદાન પર હાજર અમ્પાયરોએ ત્વરિત હસ્તક્ષેપ કર્યો હતો અને બંને ખેલાડીઓને અટકાવી મામલો શાંત પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બંને ખેલાડીઓ ભારતીય T20 ટીમનો પણ ભાગ છે, તેવામાં ઘરેલું ક્રિકેટની ફાઈનલ મેચમાં આ પ્રકારે સામસામે આવી જવાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

