ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ મેચમાં આવી હોઇ શકે છે ભારતીય ટીમ,ગિલ-ગંભીર સામે પ્લેઇંગ 11ની પસંદગી મોટો પડકાર

માન્ચેસ્ટરમાં ઐતિહાસિક ડ્રો મેચ બાદ ટીમ ઇન્ડિયાની નજર હવે 31 જુલાઇથી લંડનના ઓવલમાં શરૂ થતી સિરીઝી અંતિમ મેચ પર હશે. આ મેચ એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે જો ટીમ ઇન્ડિયા આ મેચ જીતે છે તો 5 મેચની આ સિરીઝ બરાબરી પર સમાપ્ત થશે અને હારથી બચી જશે.
આ મેચમાં પ્લેઇંગ ઇલેવનને લઇને કોચ ગંભીર અને કેપ્ટન ગિલે મહેનત કરવી પડી શકે છે. ટીમ સંયોજન, ઇજાગ્રસ્ત ખેલાડીઓના વિકલ્પ અને વર્કલોડ મેનેજમેન્ટ...આ કેટલાક એવા સવાલ છે જે પ્લેઇંગ ઇલેવનમાં સૌથી વધુ પરેશાન કરશે.
કુલદીપ-અર્શદીપને મળશે તક
ઓવલની પિચ સ્પિન ફ્રેન્ડલી મનાય છે. એવામાં કુલદીપ યાદવનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરાઇ શકે છે. કુલદીપને કયા ખેલાડીની જગ્યાએ ટીમમાં સમાવાશે તે એક મોટો પ્રશ્ન છે.માન્ચેસ્ટર ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાએ સારી બેટિંગ કરી સદી ફટકારી હતી એવામાં તેમને બહાર બેસાડવા મોટું જોખમ હોઇ શકે છે. ભારતીય ટીમ ઓવલ ટેસ્ટમાં 3 સ્પિનર્સ સાથે ઉતરી શકે છે.
અર્શદીપ સિંહની વાત કરીએ તો અર્શદીપની જગ્યા પ્લેઇંગ ઇલેવનમાં પાક્કી ગણાય છે. અંશુલ કંબોજની જગ્યાએ અર્શદીપને ટીમમાં સામેલ કરી શકાય છે.
પંતની જગ્યાએ જુરેલ
5મી અને અંતિમ ટેસ્ટ મેચમાં રિષભ પંત ઇજાગ્રસ્ત થતા બહાર થઇ ગયો છે. માન્ચેસ્ટર ટેસ્ટમાં તેના પગમાં ઇજા થઇ હતી. રિષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલનો ટીમમાં સમાવેશ કરાઇ શકે છે. જુરેલ સાતમા નંબર પર બેટિંગ કરી શકે છે. સાથે જ વિકેટ કીપિંગમાં પણ તેને ખુદને સાબિત કર્યો છે.
શાર્દુલ ઠાકુર અને અંશુલ કંબોજ પાંચમી ટેસ્ટમાંથી લગભગ બહાર થઇ શકે છે. બોલિંગ વિકલ્પમાં ભારત વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સાથે ઉતરી શકે છે. જ્યારે સિરાજ, બુમરાહ અને અર્શદીપ 3 ફાસ્ટ બોલર હોઇ શકે છે. જોકે, પ્લેઇંગ ઇલેવન પર મોહર ગુરૂવારે મેચ પહેલા જ લાગશે.
પાંચમી ટેસ્ટ મેચ માટે આવી હોઇ શકે છે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ,કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ

