VIDEO: 'મારી ભૂલ હતી અને હું...',અક્ષરને ટીમમાંથી બહાર કરવા પર કેપ્ટન સૂર્યાનો ખુલાસો; ઓલરાઉન્ડરની માફી માંગી
ભારતીય ટીમે ઈતિહાસમાં ત્રીજી વખત અને સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકે, આ સફર એટલી સરળ નહતી. ખાસ કરીને સુપર-8માં સાઉથ આફ્રિકા સામે મળેલી 76 રનની કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા પર બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. આ મેચમાં વાઈસ કેપ્ટન અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાના નિર્ણય પર હવે કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટો ખુલાસો કર્યો છે.
અક્ષર પટેલને કેમ પડતો મૂકાયો હતો?
અમદાવાદમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારતે રણનીતિક નિર્ણય લેતા અક્ષર પટેલના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમમાં ડાબોડી બેટર્સની સંખ્યા વધુ હોવાથી મેનેજમેન્ટે સુંદરને પ્રાધાન્ય આપ્યું હતું. જોકે, આ દાવ ઊંધો પડ્યો અને ભારતને મોટી હારનો સામનો કરવો પડ્યો. આ નિર્ણયથી અક્ષર પટેલ બિલકુલ ખુશ નહતો.
સૂર્યાએ કહ્યું- 'મેં ભૂલ કરી હતી'
એક અખબાર સાથેની વાતચીતમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે, અક્ષર પટેલને બહાર રાખવો કદાચ ખોટો નિર્ણય હતો. સૂર્યાએ કહ્યું, "અક્ષર ખૂબ જ ગુસ્સામાં હતો અને તેનું ગુસ્સે થવું વ્યાજબી પણ હતું. તે એક અનુભવી ખેલાડી છે અને IPLમાં ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ કરે છે. મેં તેની માફી માંગી હતી. મેં તેને કહ્યું કે આ મારી ભૂલ હતી અને હું દિલગીર છું, પરંતુ આ નિર્ણય ટીમ માટે લેવામાં આવ્યો હતો."
હારે આંખ ઉઘાડી
સૂર્યાએ સાઉથ આફ્રિકા સામેની હારને ટુર્નામેન્ટનો ટર્નિંગ પોઈન્ટ ગણાવતા કહ્યું કે, "આ હારને કારણે અમારી આંખો ઉઘડી હતી અને ટીમને વધુ મજબૂત બનાવી. હાર બાદ અમારી પાસે પાછા વળવાનો કોઈ વિકલ્પ નહતો. ઝિમ્બાબ્વે સામેની મેચ અમારા માટે પ્રી-ક્વાર્ટર ફાઈનલ જેવી બની ગઈ હતી. અમે ત્યારબાદની દરેક મેચ નોકઆઉટની જેમ જ રમ્યા હતા."
ઐતિહાસિક જીત
સાઉથ આફ્રિકા સામેના ઝટકા બાદ ભારતે જોરદાર વાપસી કરી હતી. સુપર-8ની બાકીની મેચો જીત્યા બાદ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારત સતત બે T20 વર્લ્ડ કપ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.

