VIDEO: સનરાઈઝર્સ હૈદરાબાદનો બોલિંગ વિભાગ બન્યો મજબુત, આ ધાકડ બોલરની થઈ એન્ટ્રી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝન વચ્ચે જ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે મુશ્કેલીઓ વધી હતી. ઈંગ્લેન્ડના બે દિગ્ગજ ફાસ્ટ બોલરો બ્રાયડન કાર્સે અને ડેવિડ પેન ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. જોકે, ફ્રેન્ચાઇઝી માલિક કાવ્યા મારન અને ટીમ મેનેજમેન્ટે તરત જ એક્શનમાં આવીને તેમના મજબૂત વિકલ્પો શોધી કાઢ્યા છે. બ્રાયડન કાર્સેની જગ્યાએ અગાઉ દિલશાન મદુશંકાને ટીમમાં લેવામાં આવ્યો હતો અને હવે ડેવિડ પેનના સ્થાને ગેરાલ્ડ કોએટ્ઝીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેનાથી હવે અભિષેક, ટ્રેવિસ અને ક્લાસેન જેવા ધૂરધંર બેટિંગ વિભાગની સાથે હવે બોલિંગ વિભાગ પણ મજબૂત થઈ ગયું છે.
ગેરાલ્ડ કોએટ્ઝી: 145+ની સ્પીડ અને આક્રમક અંદાજ
સાઉથ આફ્રિકાના આક્રમક ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએટ્ઝીને હૈદરાબાદે 2 કરોડ રૂપિયાની કિંમતે પોતાની ટીમ સાથે જોડ્યો છે. કોએટ્ઝી પોતાની ઘાતક સ્પીડ માટે જાણીતો છે, જે સતત 145 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરીને બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેની પાસે 14 ODI અને 18 T20I મેચોનો અનુભવ છે, જેમાં તેણે કુલ 67 વિકેટ ઝડપી છે.
IPLનો બહોળો અનુભવ
કોએટ્ઝી માટે આ લીગ નવી નથી. તે અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઈટન્સ (GT) જેવી ટીમોનો હિસ્સો રહી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી 14 IPL મેચોમાં 15 વિકેટ ઝડપી છે. બોલિંગની સાથે સાથે તે લોઅર ઓર્ડરમાં ઉપયોગી બેટિંગ કરવાની પણ ક્ષમતા ધરાવે છે, જે હૈદરાબાદની ટીમમાં વધારાની ઊંડાઈ (Depth) લાવશે.
નવા યુવા બોલર્સ અને કમિન્સની વાપસી
સનરાઈઝર્સ માટે હાલમાં સારા સમાચાર એ પણ છે કે ટીમને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સાકિબ હુસૈન અને પ્રફુલ હિંગે જેવા ધારદાર યુવા બોલર્સ મળ્યા છે. બીજી તરફ, કેપ્ટન પેટ કમિન્સ પણ પોતાની પીઠની ઈજામાંથી મુક્ત થઈ રહ્યો છે અને એપ્રિલના અંત સુધીમાં મેદાન પર પરત ફરે તેવી શક્યતા છે. હેડ કોચ ડેનિયલ વેટોરી પાસે હવે બોલિંગમાં અનેક મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે, જે ટીમને ટુર્નામેન્ટમાં ફરી બેઠી કરવામાં મદદરૂપ થશે.

