VIDEO: KKRમાં થઈ રયાન ટેન ડોશેટની વાપસી, ટીમ ઈન્ડિયાનો સાથ છોડ્યા બાદ હવે ફેન્ચાઈઝીમાં સંભાળશે આ પદ
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ પદેથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ નેધરલેન્ડ્સના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર રયાન ટેન ડોશેટને મોટી લોટરી લાગી છે. નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરીને રયાન ટેન ડોશેટને ગ્લોબલ ફ્રેન્ચાઇઝી નેટવર્ક માટે 'હેડ ઓફ ક્રિકેટ સ્ટ્રેટેજી' તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસની સમાપ્તિ સાથે જ તેણે સત્તાવાર રીતે ભારતીય ટીમનો સાથ છોડ્યો હતો. 29 જુલાઈ 2026ના રોજ તે ફરી એકવાર પોતાની જૂની IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પરિવારમાં સામેલ થઈ ગયો છે.
ગ્લોબલ ફ્રેન્ચાઇઝીમાં સ્કાઉટિંગ અને પ્લેયર રિક્રુટમેન્ટની સંભાળશે કમાન
નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સના CEO વેન્કી મૈસૂરે આ નવી નિયુક્તિ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, રયાન ટેન ડોશેટની ભૂમિકા માત્ર KKR પૂરતી સીમિત નથી, પરંતુ તેનો વ્યાપ વૈશ્વિક છે. તે નાઈટ રાઈડર્સ નેટવર્ક હેઠળ આવતી તમામ ગ્લોબલ ફ્રેન્ચાઇઝીઓમાં સ્કાઉટિંગ, પ્લેયર રિક્રુટમેન્ટ, સ્ક્વોડ પ્લાનિંગ અને પરફોર્મન્સ ઇવેલ્યુએશન માટે સ્ટ્રેટેજિક ડાયરેક્શન આપશે. આ સાથે જ તે CPL (કેરેબિયન પ્રીમિયર લીગ)માં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ, ILT20માં અબુ ધાબી નાઈટ રાઈડર્સ અને MLC (મેજર લીગ ક્રિકેટ)માં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સના આસિસ્ટન્ટ કોચ તરીકે પણ વધારાની સેવાઓ આપશે.
વેન્કી મૈસૂરે સત્તાવાર કરતા કહ્યું કે, "રયાન નાઈટ રાઈડર્સ પરિવારનો એક ખૂબ જ મહત્ત્વનો અને મજબૂત હિસ્સો રહ્યો છે. તે અમારી સંસ્કૃતિ અને ક્રિકેટિંગ ફિલોસોફીને ખૂબ જ સારી રીતે સમજે છે. તેનું ગ્લોબલ ક્રિકેટ સ્ટ્રેટેજી હેડ તરીકે આવવું એ આપણી તમામ વૈશ્વિક ટીમોના વિકાસ અને ખેલાડીઓની નવી પ્રતિભા શોધવા માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. અમે તેનું ફરીથી સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ."
ટીમ ઇન્ડિયા સાથેનો યાદગાર કાર્યકાળ અને રાજીનામાનું કારણ
રયાન ટેન ડોશેટ જુલાઈ 2024માં હેડ કોચ ગૌતમ ગંભીરની ભલામણથી ટીમ ઈન્ડિયાનો આસિસ્ટન્ટ કોચ બન્યો હતો. તેના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી, 2025નો એશિયા કપ અને 2026નો T20 વર્લ્ડ કપ જીતવામાં મોટી સફળતા મેળવી હતી. જોકે, તેના કાર્યકાળમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતને મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવી અને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ (0-3) તેમજ સાઉથ આફ્રિકા (0-2) સામે ક્લીન સ્વીપનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલ, સતત પ્રવાસ અને રોલ સ્પષ્ટ ન હોવાના કારણે તેણે સમય પહેલા જ હોદ્દો છોડવાનો નિર્ણય કર્યો હતો.
રયાન ટેન ડોશેટે પોતાના વિદાય નિવેદનમાં જણાવ્યું કે, "ભારતીય ટીમ સાથે કામ કરવું એ મારા જીવનનો એક અદ્ભુત અને ગર્વ સમાન અનુભવ હતો. મેં ગૌતમ ગંભીર અને ખેલાડીઓ સાથે અદ્ભુત ક્ષણો વિતાવી છે અને ટીમે જે 3 મોટી આંતરરાષ્ટ્રીય ટ્રોફીઓ જીતી તે હંમેશા યાદ રહેશે. પરંતુ, વ્યસ્ત વૈશ્વિક પ્રવાસો અને ભવિષ્યના વ્યક્તિગત આયોજનના કારણે મારા માટે આ યોગ્ય સમય હતો કે હું નવી ભૂમિકા તરફ આગળ વધું."
KKR સાથેનો 15 વર્ષ જૂનો અતૂટ નાતો
રયાન ટેન ડોશેટનો નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી સાથે ખૂબ જ જૂનો અને સફળ ઈતિહાસ રહ્યો છે. તે વર્ષ 2011થી 2015 દરમિયાન એક ખેલાડી તરીકે KKRનો હિસ્સો હતા અને ટીમની 2012 અને 2014ની IPL ચેમ્પિયનશિપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે કોચિંગ સ્ટાફમાં જોડાયો હતો અને 2024માં જ્યારે KKR ત્રીજી વખત IPL ચેમ્પિયન બન્યું ત્યારે તેઓ ટીમનો ફિલ્ડિંગ કોચ હતો.
હવે આગામી IPL 2027ની સિઝન પહેલા, તે ફરી એકવાર KKRના હેડ કોચ અભિષેક નાયર સાથે જોડી જમાવીને ફ્રેન્ચાઈઝીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સજ્જ થયો છે. બીજી તરફ, BCCIના સેક્રેટરી દેવાજીત સૈકિયાએ પુષ્ટિ કરી છે કે ઓગસ્ટમાં શરૂ થનારા શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ટીમને નવા આસિસ્ટન્ટ અને ફિલ્ડિંગ કોચ મળી જશે.

