RCB એ મોહમ્મદ સિરાજને ટીમમાંથી શા માટે કર્યો હતો બહાર? હવે થયો મોટો ખુલાસો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેગા ઓક્શન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ આખરે તેના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને રિલીઝ કરવાના નિર્ણય પર પોતાનું મૌન તોડ્યું છે. RCBના ક્રિકેટ ડિરેક્ટર મો બોબાટે આ નિર્ણય પાછળની રણનીતિનો ખુલાસો કર્યો છે. મોહમ્મદ સિરાજ સાત વર્ષથી RCB સાથે હતો અને તેનું પ્રદર્શન પણ ખૂબ સારું હતું. હવે તે ગુજરાત ટાઈટન્સ (GT) ટીમનો ભાગ છે.
સિરાજ પર RCBનો મોટો ખુલાસો
RCBના ક્રિકેટ ડિરેક્ટર મો બોબાટે કહ્યું કે, RCBનું લક્ષ્ય એક સંતુલિત અને મજબૂત બોલિંગ લાઈનઅપ બનાવવાનું હતું, જે વિવિધ પરિસ્થિતિઓમાં અસરકારક હોય. તેણે કહ્યું કે, ભુવનેશ્વર કુમારને ટીમમાં સામેલ કરવાની ઈચ્છા હતી, કારણ કે તેનો અનુભવ અને સ્વિંગ બોલિંગની સ્કિલ RCBની રણનીતિ માટે મહત્ત્વપૂર્ણ હતી. બોબટે સ્પષ્ટ કર્યું કે સિરાજને રિટેન કરવાથી ભુવનેશ્વરને ખરીદવો મુશ્કેલ બન્યું હોત, કારણ કે ઓક્શનમાં ખેલાડીઓના બજેટ અને પ્રાથમિકતાને સંતુલિત કરવી જરૂરી હતું.
બોબાટે કહ્યું, "સિરાજ કદાચ એવો ખેલાડી છે જેના વિશે અમે સૌથી વધુ વિચાર્યું હતું. ભારતીય આંતરરાષ્ટ્રીય બોલર સરળતાથી નથી મળતા. અમે સિરાજ સાથે દરેક સંભવિત પરિસ્થિતિની ચર્ચા કરી, તેને રિટેન કરવો કે રિલીઝ કરવો કે રાઈટ ટુ મેચનો ઉપયોગ કરવો. તે સીધો નિર્ણય નહતો. અમે ભુવીને ઈનિંગના બંને છેડા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિરાજને ટીમમાં રાખવાથી તે મુશ્કેલ બન્યું હોત. કોઈ એક કારણ નથી, આમાં ઘણા પરિબળો ભૂમિકા ભજવે છે."
કેમેરોન ગ્રીનને રિટેન કરવો હતો
આ સાથે, બોબાટે એ પણ ખુલાસો કર્યો કે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ફક્ત ઈજાને કારણે રિટેન નહતો કરવામાં આવ્યો. તેણે કહ્યું, "જો તે ફિટ હોત, તો અમે લગભગ ચોક્કસપણે તેને રિટેન કર્યો હોત."

