"અમારું માઈન્ડસેટ બિલકુલ સાફ છે"- સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપ શરુ થવાનો છે, જોકે તે પહેલા પાકિસ્તાનો ડ્રામા શરુ કરી દઈને ભારત સામેની મેચો રમવાનો ઇન્કાર કરી દીધો છે. ત્યારે આ મામલે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સૂર્યાએ મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું છે કે, ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે અને ટીમે ક્યારેય પાકિસ્તાન સામે રમવાની ના પાડી નથી.
તેમણે જ રમવાનો ઇન્કાર કર્યો : સૂર્યકુમાર યાદવ
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેના મુકાબલા અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, 'પાકિસ્તાનને લઈને અમારું માઇન્ડસેટ બિલકુલ સાફ છે. અમે ક્યારેય તેમની સામે રમવાની મનાઈ કરી નથી, તેમણે જ રમવાનો ઇન્કાર કર્યો છે. અમારી ફ્લાઇટ્સ બુક છે અને અમે જઈ રહ્યા છીએ. અમારા ફિક્સર પણ તૈયાર છે. પહેલા અમે અમેરિકા સામે રમીશું અને ત્યારબાદ અન્ય મેચો રમીને કોલંબો જઈશું.'
પાકિસ્તાને ભારત સામેની મેચોનો બહિષ્કાર કર્યો
ભારતીય કૅપ્ટનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાનના બહિષ્કારને લઈને અનેક અટકળો લગાવાઈ રહી છે. સૂર્યાના આ નિવેદનથી સાબિત થાય છે કે, ટીમ ઇન્ડિયા આવી કોઈ પણ અનિશ્ચિતતાથી પ્રભાવિત થયા વગર પોતાની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
હાઇ-વોલ્ટેજ મુકાબલા પર સંકટના વાદળો
ટી20 વર્લ્ડ કપ 2026ના ગ્રૂપ-એમાં ભારત અને પાકિસ્તાન સિવાય નેધરલૅન્ડ, નામિબિયા અને અમેરિકાની ટીમો સામેલ છે. જોકે, પાકિસ્તાને ભારત સામેની પોતાની લીગ મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે, જેના કારણે આ હાઇ-વોલ્ટેજ મુકાબલા પર સંકટના વાદળો ઘેરાયા છે.
પાકિસ્તાની વડાપ્રધાને બાંગ્લાદેશનું બહાનું બતાવ્યું
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નક્વીએ ભારત સામે મેચો રમવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે બુધવારે (4 ફેબ્રુઆરી) જાહેરાત કરી હતી કે, તેમની ટીમ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. આમ પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી હાઇ-પ્રોફાઇલ મેચનો બહિષ્કાર કરીને ટુર્નામેન્ટના નિયમોનો ભંગ કર્યો છે. પોતાની નબળાઈ છુપાવવા માટે શાહબાઝ શરીફે બાંગ્લાદેશ સાથે એકતાનું બહાનું આગળ ધર્યું છે. એક તરફ તેઓ કહી રહ્યા છે કે, રમતગમતમાં રાજકારણ ન હોવું જોઈએ અને બીજી તરફ પોતે જ રાજકીય કારણો આપીને મેચનો બહિષ્કાર કરી રહ્યા છે, જે તેમની બેવડી નીતિ છતી કરે છે. પાકિસ્તાન કેબિનેટને સંબોધતા શરીફે આ વિચિત્ર નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

