VIDEO: ભારત સામેને સીરિઝ પહેલા ન્યૂઝીલેન્ડને ઝટકો, ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર ઈન્જર્ડ
ભારત સામેની આગામી પાંચ મેચોની T20I સીરિઝ શરૂ થાય તે પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને એક મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર પ્રમોશનલ શૂટ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે આગામી મેચોમાં રમવા પર શંકાના વાદળો ઘેરાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઓકલેન્ડમાં 16 સપ્ટેમ્બરના રોજ એક પ્રમોશનલ શૂટ દરમિયાન ડાઈવ લગાવીને કેચ પકડતી વખતે તેનો જમણો ખભો ડિસલોકેટ થઈ ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે મેડિકલ તપાસમાં કોઈ મોટી સ્ટ્રક્ચરલ ડેમેજની વાત સામે આવી નથી અને તે ગંભીર ઈજાગ્રસ્ત થવાથી બચી ગયો છે. ટીમ મેનેજમેન્ટ રચિનની સારી રીતે રિકવરી કરાવવા અને તેને જલ્દી મેદાન પર પાછા લાવવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. ન્યુઝીલેન્ડના હેડ કોચ રોબ વૉલ્ટરે પણ ખેલાડીની ફિટનેસને લઈને સાવચેતીપૂર્વકનાં સંકેત આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આગામી છ મહિનામાં ન્યુઝીલેન્ડ ટીમનો ટેસ્ટ ક્રિકેટનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત છે, તેથી રચિનને જરૂર વગર ઉતાવળમાં મેદાન પર ઉતારીને કોઈ જોખમ લેવામાં આવશે નહીં. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી 22 ઓક્ટોબરથી પાંચ મેચોની T20I સીરિઝની શરૂઆત થવાની છે. જેમાં ક્રાઇસ્ટચર્ચ, વેલિંગ્ટન, ઓકલેન્ડ અને હેમિલ્ટનના મેદાનો પર રોમાંચક મુકાબલા રમાવાના છે.

