IND vs ENG / ઓવલમાં ચાલ્યું 'મિયાં મેજિક', મોહમ્મદ સિરાજે છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ પાસેથી છીનવી જીત

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટ મેચ 6 રનથી જીતી લીધી. આ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તેની આખી ટીમ બીજી ઈનિંગમાં 367 રનમાં સમેટાઈ ગઈ. રનની દૃષ્ટિએ આ ભારતની સૌથી નાની જીત હતી. ભારતીય ટીમની જીતમાં મોહમ્મદ સિરાજે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેણે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ સિરાજને સારો સાથ આપ્યો હતો.
સિરાજ બન્યો જીતનો હીરો
મોહમ્મદ સિરાજે આ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 4 વિકેટ અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. તેણે આ મેચમાં કુલ 9 વિકેટ લઈને ઈંગ્લેન્ડ પાસેથી જીત છીનવી લીધી. સિરીઝની છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ સિરાજને 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે ગઈકાલે ભારતીય ટીમ સિરાજની ભૂલના કારણે જ બેકફૂટ પર હતી. ગઈકાલે જ્યારે ઈંગ્લેન્ડની ટીમને જીતવા માટે 300થી વધુ રનની જરૂર હતી અને જો રૂટ તેમજ હેર બ્રુક ક્રીઝ પર હતા ત્યારે સિરાજે એવી ભૂલ કરી કે ભારતીય ટીમના ફેન્સને પણ લાગ્યું કે હવે આ મેચ ભારતને હાથમાંથી નીકળી ગઈ છે.
હેરી બ્રુકે તોફાની ઈનિંગ રમીને ભારતને બેકફૂટ પર ધકેલી દીધું. ભારતે તેની વિકેટ પહેલા મેળવી લીધી હોત, મોહમ્મદ સિરાજે પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર ફાઈન લેગ પર તેનો કેચ લીધો હતો પરંતુ તેનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી ગયો હતો. આ પછી હેર બ્રુકે સદી ફટકારી હતી. મેચ જીત્યા બાદ સિરાજે પણ આ વિશે વાત કરતા કહ્યું કે જ્યારે તેનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી ગયો ત્યારે તેને પણ લાગ્યું હતું કે હવે અ મેચ ભારતીય ટીમના હાથમાંથી નીકળી ગઈ છે.
આ પછી છેલ્લા દિવસની રમત શરૂ થતા પહેલા સિરાજે પોતાના પર વિશ્વાસ જતાવ્યો અને પાંચમા દિવસે 3 વિકેટ લઈને ભારતને જીતને પાર પહોંચાડ્યું. આમ આપણે કહી શકીએ છીએ કે ગઈકાલે જે ભારતીય ટીમ માટે વિલન લાગતો હતો, તે આજે જીતનો હીરો બની ગયો.
સિરીઝમાં સૌથી વધુ વિકેટ લીધી
મોહમ્મદ સિરાજે આ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 5 મેચની 9 ઈનિંગમાં 32.43ની એવરેજથી 23 વિકેટ લીધી છે. આ દરમિયાનતેનો બેસ્ટ સ્પેલ 70 રન આપીને 6 વિકેટ લેવાનો છે. જે સિરીઝની બીજી ટેસ્ટમાં આવ્યો હતો. આ સિરીઝમાં સિરાજે 2 વખત 5 વિકેટ હોલ અને 1 વખત 4 વિકેટ હોલ લીધો છે.

