VIDEO: મિચેલ સ્ટાર્કે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ઈન્ટરનેશનલ લેફ્ટ-હેન્ડર્સ ડે પર રચ્યો ઈતિહાસ
મિચેલ સ્ટાર્કે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા પહેલા દિવસે માત્ર 198 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જ્યારે બાંગ્લાદેશે બેટિંગ શરૂ કરી ત્યારે મિચેલ સ્ટાર્કે પહેલી વિકેટ લીધી. આ વિકેટ સાથે, મિચેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં લેફ્ટ આર્મ બોલર્સમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. રસપ્રદ વાત એ છે કે, તેણે ઈન્ટરનેશનલ લેફ્ટ-હેન્ડર્સ ડે પર આ સિદ્ધિ હાંસલ કરી.
સ્ટીવ સ્મિથે અડધી સદી ફટકારી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, ટી બ્રેક પછી તરત જ આખી ટીમ ફક્ત 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સ્ટીવ સ્મિથે અડધી સદી ફટકારી, પરંતુ તેને અન્ય કોઈ બેટ્સમેનનો સપોર્ટ ન મળ્યો. જેના કારણે ઓસ્ટ્રેલિયા પહેલીવાર બાંગ્લાદેશ સામે 200થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ ગયું.
સ્ટાર્કે સદમાન ઈસ્લામને આઉટ કરીને ઈતિહાસ રચ્યો
ત્યારબાદ બાંગ્લાદેશ બેટિંગ કરવા ઉતર્યું. તેના ઓપનર સદમાન ઇસ્લામ અને તનઝીદ હસન તમીમે ટીમને મજબૂત શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઈનિંગની નવમી ઓવરમાં, મિચેલ સ્ટાર્કે બીજા બોલ પર સદમાન ઈસ્લામને આઉટ કર્યો. નાથન લિયોને કેચ ઝડપ્યો. તેણે 30 બોલમાં 20 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ વિકેટ સાથે મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 434 વિકેટ પૂર્ણ કરી.
રંગના હેરાથનો રેકોર્ડ તોડ્યો, કપિલ દેવની બરાબરી કરી
મિચેલ સ્ટાર્ક હવે ટેસ્ટ ક્રિકેટમાં લેફ્ટ આર્મ બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે રંગના હેરાથનો રેકોર્ડ તોડ્યો અને મિશેલ સ્ટાર્ક હવે તેને પાછળ છોડી ગયો છે. વસીમ અકરમે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર તરીકે 414 વિકેટ લીધી હતી. આજે 13 ઓગસ્ટના રોજ ઈન્ટરનેશનલ લેફ્ટ-હેન્ડર્સ ડે ઉજવવામાં આવે છે અને આ દિવસે મિચેલ સ્ટાર્કે આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. એટલું જ નહીં, સ્ટાર્કે હવે ભારતના મહાન ખેલાડીઓમાંના એક કપિલ દેવની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે બરાબરી કરી લીધી છે. માત્ર એક વધુ વિકેટ સાથે તે તેને પાછળ છોડી દેશે.

