Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 'Mahsarks‘, no captain left, no coach in Pakistan cricket for 3 years and now even 7 players released

પાકિસ્તાન ક્રિકેટમાં 3 વર્ષથી ‘મહાસર્કસ’, ન કેપ્ટન બચ્યો, ન કોચ અને હવે 7 ખેલાડીઓની પણ છૂટ્ટી

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાન ક્રિકેટમાં 3 વર્ષથી ‘મહાસર્કસ’, ન કેપ્ટન બચ્યો, ન કોચ અને હવે 7 ખેલાડીઓની પણ છૂટ્ટી
સોર્સ : gstv

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ અને અસ્થિર સમયમાંથી પસાર થઈ રહી છે. એક સમયે વસીમ અકરમ, વકાર યુનિસ, શોએબ અખ્તર, સઈદ અનવર, સકલૈન મુશ્તાક અને શાહિદ આફ્રિદી જેવા દિગ્ગજ ખેલાડીઓના કારણે દુનિયાભરમાં દબદબો ધરાવતી પાકિસ્તાનની ટીમ હવે સતત ફેરફારો, ખરાબ પ્રદર્શન અને વહીવટી વિવાદોમાં ફસાઈ ગઈ છે.

App Store

છેલ્લા લગભગ ત્રણ વર્ષમાં ટીમમાં અનેક વખત કેપ્ટન, કોચ અને સિલેક્શન કમિટીમાં ફેરફાર થયા છે. હવે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ (Test Series) દરમિયાન પાકિસ્તાન ક્રિકેટમાં વધુ એક મોટો ફેરફાર થયો છે. ટીમના 7 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે, જ્યારે હેડ કોચ સરફરાજ અહમદ અને બોલિંગ કોચ ઉમર ગુલને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે.

ઈંગ્લેન્ડ સામેની હાર બાદ મોટું ઓપરેશન

ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 194 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સિરીઝમાં પાકિસ્તાન 0-2થી પાછળ ગયું. ત્યારબાદ PCB (Pakistan Cricket Board)એ ટીમમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો.

ટીમમાંથી મોહમ્મદ રિઝવાન, ઈમામ-ઉલ-હક, સલમાન આઘા, અલી ઉસ્માન, આમિર જમાલ, અવૈસ જફર અને ખુર્રમ શહઝાદને બહાર કરવામાં આવ્યા. તેમની જગ્યાએ પાંચ અનકેપ્ડ (Uncapped) ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ નવા ખેલાડીઓમાં અરાફાત મિનહાસ, મોહમ્મદ ઈમરાન જુનિયર, સાદ બેગ, મોહમ્મદ ઈમરાન રંધાવા અને રઝાઉલ્લાહનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ ઘણો ઓછો છે.

2023 વર્લ્ડ કપથી શરૂ થયુ ટીમનું પતન

પાકિસ્તાન ક્રિકેટની હાલની સ્થિતિ અચાનક સર્જાઈ નથી. તેની શરૂઆત 2023ના વનડે વર્લ્ડ કપ (ODI World Cup) બાદથી થઈ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપની ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી.

વર્લ્ડ કપ બાદ બાબર આઝમે તમામ ફોર્મેટની કેપ્ટનશિપ છોડી હતી. ત્યારબાદ શાન મસૂદને ટેસ્ટ અને શાહીન શાહ આફ્રિદીને ટી-20 (T20) ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે બંનેની કેપ્ટનશિપમાં ટીમનું પ્રદર્શન ખાસ સુધર્યું નહોતું.

ઓસ્ટ્રેલિયા સામે શાન મસૂદની આગેવાની હેઠળ પાકિસ્તાન 3-0થી ટેસ્ટ સિરીઝ હારી ગયું હતું. બીજી તરફ શાહીન આફ્રિદીની કેપ્ટનશિપ હેઠળ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં પાકિસ્તાનને 1-4થી હાર મળી હતી.

બાબર આઝમની ફરી વાપસી પણ નિષ્ફળ

માર્ચ 2024માં શાહીન આફ્રિદીને હટાવીને બાબર આઝમને ફરીથી વ્હાઇટ-બોલ (White Ball) ક્રિકેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ ટી-20 વર્લ્ડ કપ 2024માં પણ પાકિસ્તાનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું.

પાકિસ્તાન ભારત અને અમેરિકા સામે હારી ગયું અને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું. ત્યારબાદ ટીમના કોચિંગ સ્ટાફમાં પણ ફેરફારો શરૂ થયા.

ગેરી કર્સ્ટનને વ્હાઇટ-બોલ ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ મહિનામાં તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું. રેડ-બોલ (Red Ball) ટીમના કોચ જેસન ગિલેસ્પીએ પણ PCB સાથેના મતભેદો બાદ ડિસેમ્બર 2024માં પદ છોડ્યું.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ નિરાશા

2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy)નું આયોજન થયું હતું. 1996 બાદ પાકિસ્તાનમાં યોજાયેલી આ પહેલી મોટી ICC ટૂર્નામેન્ટ હતી. પોતાના ઘરઆંગણે રમતા હોવા છતાં પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ.

ટીમને ન્યૂઝીલેન્ડ અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો. આ પછી ટીમના કોચિંગ અને સિલેક્શન સિસ્ટમ પર ફરી સવાલો ઉઠવા લાગ્યા.

બાબર અને રિઝવાનને પણ T20 ટીમમાંથી બહાર કરાયા

માર્ચ 2025માં PCBએ વધુ એક મોટો નિર્ણય લીધો. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ટી-20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યા. તેમની જગ્યાએ સલમાન અલી આઘાને ટી-20 ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી.

પરંતુ આ ફેરફારનો પણ ખાસ ફાયદો થયો નહીં. ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાન ટી-20 સિરીઝ 1-4થી હારી ગયું. ત્યારબાદ એશિયા કપ (Asia Cup)ની ટીમમાંથી પણ બાબર અને રિઝવાનને દૂર રાખવામાં આવ્યા.

2026માં ફરી મોટો ફેરફાર

2026માં પાકિસ્તાન ક્રિકેટમાં ફરીથી મોટો ફેરફાર થયો. એપ્રિલમાં સરફરાજ અહમદને ટેસ્ટ ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જુલાઈમાં શાન મસૂદને ટેસ્ટ કેપ્ટન પદેથી હટાવીને બાબર આઝમને ફરી ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ આપવામાં આવી.

સિનિયર ખેલાડીઓમાંથી કેટલાકને ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા અને નવા ખેલાડીઓને તક આપવામાં આવી. પરંતુ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ટીમનું પ્રદર્શન ફરી ખરાબ રહ્યું.

લોર્ડ્સ ટેસ્ટની હાર બાદ PCBએ એકસાથે 7 ખેલાડીઓને ટીમમાંથી હટાવી દીધા અને હેડ કોચ સરફરાજ અહમદ તથા બોલિંગ કોચ ઉમર ગુલની પણ છૂટ્ટી કરી દીધી.

PCBમાં અસ્થિરતા સૌથી મોટી સમસ્યા?

પાકિસ્તાનની હાલની સ્થિતિ પાછળ માત્ર ખેલાડીઓનું ખરાબ ફોર્મ જવાબદાર નથી. ક્રિકેટ નિષ્ણાતો અને પૂર્વ ખેલાડીઓ સતત PCBની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં કેપ્ટન, કોચ અને સિલેક્ટરોમાં સતત ફેરફારો થયા છે. વારંવાર નેતૃત્વ બદલાતા ટીમમાં લાંબા ગાળાની યોજના અને સ્થિરતા જળવાઈ શકી નથી.

PCBના ચેરમેન મોહસિન નકવી ફેબ્રુઆરી 2024થી આ પદ પર છે. તેમના કાર્યકાળ દરમિયાન ટીમમાં અનેક મોટા નિર્ણયો લેવાયા છે. કોચિંગ સ્ટાફથી લઈને કેપ્ટનશિપ અને સિલેક્શન કમિટી સુધી સતત ફેરફારો થયા છે.

કેટલાક પૂર્વ ખેલાડીઓનો આરોપ છે કે ક્રિકેટ બોર્ડમાં રાજકીય અને વહીવટી દખલના કારણે ટીમની કામગીરી પર અસર પડી રહી છે. નાણાકીય વ્યવસ્થાને લઈને પણ અગાઉ સવાલો અને અનિયમિતતાના આરોપો સામે આવ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય શું?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે હાલ સૌથી મોટી જરૂરિયાત સ્થિરતા (Stability), પારદર્શિતા (Transparency) અને લાંબા ગાળાની યોજના છે. વારંવાર કેપ્ટન અને કોચ બદલવાથી ખેલાડીઓ પર પણ દબાણ વધે છે અને ટીમનું સંતુલન બગડે છે.

છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ જોતા સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ક્રિકેટમાં સમસ્યા માત્ર મેદાન પરના પ્રદર્શન પૂરતી મર્યાદિત નથી. વહીવટી નિર્ણયો, પસંદગી પ્રક્રિયા અને નેતૃત્વમાં સતત થતા ફેરફારો પણ ટીમની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે.

હવે ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે કરવામાં આવેલા મોટા ફેરફારો બાદ પાકિસ્તાન એક નવી ટીમ સાથે આગળ વધવા જઈ રહ્યું છે. નવા ખેલાડીઓને તક આપીને PCB શું લાંબા ગાળાની સ્થિર ટીમ બનાવી શકશે કે ફરી એકવાર ફેરફારોનો સિલસિલો શરૂ થશે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.