દુલીપ ટ્રોફીની ફાઈનલમાં ગર્જ્યું ઈશાન કિશનનું બેટ, સાઉથ ઝોન સામે 30 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે બનાવ્યા 270 રન

દુલીપ ટ્રોફી 2026-27ની ફાઈનલમાં ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને સાઉથ ઝોન સામે શાનદાર બેટિંગ કરતાં બેવડી સદી ફટકારી છે. ચેન્નાઈના સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચના બીજા દિવસે ઈશાને 270 બોલમાં ડબલ સેન્ચુરી પૂર્ણ કરી હતી. આ ઈનિંગમાં તેણે 26 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઈશાનની બેવડી સદીના દમ પર ઈસ્ટ ઝોને પ્રથમ ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર કર્યો હતો.
ઈશાન કિશનની ઐતિહાસિક સિદ્ધિ
ઈસ્ટ ઝોનની પ્રથમ ઇનિંગની 122મી ઓવરમાં દેવદત્ત પડિક્કલના બીજા બોલ પર ચોગ્ગો ફટકારી ઈશાન કિશન આ ઐતિહાસિક સિદ્ધિ સુધી પહોંચ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની બીજી ડબલ સેન્ચુરી છે, જ્યારે દુલીપ ટ્રોફીમાં તેણે પ્રથમ વખત બેવડી સદી નોંધાવી છે. ઈશાને કુલ 334 બોલમાં 270 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 30 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.
ફાઈનલમાં ડબલ સેન્ચ્યુયરી ફટકારનારો ઈસ્ટ ઝોનનો પ્રથમ ખેલાડી
ઈશાન કિશન દુલીપ ટ્રોફીની ફાઈનલમાં ડબલ સેન્ચુરી ફટકારનારો ઈસ્ટ ઝોનનો પ્રથમ બેટર બન્યો છે. આ સાથે જ દુલીપ ટ્રોફીના ઈતિહાસમાં ઈસ્ટ ઝોન તરફથી બેવડી સદી ફટકારનારો તે ત્રીજો ખેલાડી છે. આ પહેલાં અરુણ લાલ અને સબા કરીમે આ સિદ્ધિ હાંસલ કરી હતી. અરુણ લાલે 1986-87ની સિઝનમાં બે બેવડી સદી ફટકારી હતી, જ્યારે સબા કરીમે 1995-96માં આ સિદ્ધિ મેળવી હતી.
દુલીપ ટ્રોફીની ફાઈનલમાં ડબલ સેન્ચુરી ફટકારનારો ઈશાન કિશન છઠ્ઠો બેટર બન્યો છે. આ પહેલાં રમન લાંબા, અંશુમાન ગાયકવાડ, યુસુફ પઠાણ, ચેતેશ્વર પુજારા અને યશસ્વી જયસ્વાલ આ યાદીમાં સામેલ હતા. આ ઉપરાંત દુલીપ ટ્રોફીની ફાઈનલમાં કેપ્ટન તરીકે સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ હવે ઈશાન કિશનના નામે નોંધાયો છે. અગાઉ આ રેકોર્ડ અંશુમાન ગાયકવાડના નામે હતો.
દુલીપ ટ્રોફી ફાઇનલમાં બેવડી સદી ફટકારનારા બેટર્સ
216 – અંશુમાન ગાયકવાડ (નોર્થ ઝોન સામે, 1987)
320 – રમન લાંબા (વેસ્ટ ઝોન સામે, 1987)
210* – યુસુફ પઠાણ (સાઉથ ઝોન સામે, 2010)
256* – ચેતેશ્વર પુજારા (ઈન્ડિયા રેડ સામે, 2016)
209 – યશસ્વી જયસ્વાલ (સાઉથ ઝોન સામે, 2022)
270 – ઈશાન કિશન (સાઉથ ઝોન સામે, 2026)

