IND vs AUS / કુલદીપ યાદવની વાપસી, આ બે ખેલાડી થશે બહાર! જાણો બીજી ODI માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત સારી નથી રહી. પહેલી ODIમાં, ભારત એકતરફી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટથી હારી ગયું હતું. જોકે, ભારતીય ટીમની નજર હવે એડિલેડમાં વાપસી કરીને સિરીઝ બરાબર કરવા પર હશે.
ટીમ મેનેજમેન્ટ રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી વિસ્ફોટક પ્રદર્શનની અપેક્ષા રાખશે, જ્યારે કેપ્ટન શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે પણ જવાબદારીપૂર્વક રમવું પડશે. બીજી ODIમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની શક્યતા છે. કેપ્ટન ગિલ પર્થમાં નબળા દેખાતા બોલિંગ એટેકને બદલી શકે છે.
કુલદીપની વાપસી લગભગ નિશ્ચિત
પહેલી ODI માટે કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહતો કરવામાં આવ્યો, જેના પરિણામે ભારતીય ટીમને નુકસાન થયું હતું. સતત સારા પ્રદર્શન છતાં, કુલદીપને પડતો મૂકવા બદલ કેપ્ટન અને કોચની ભારે ટીકા થઈ હતી.
કુલદીપ હાલમાં ત્રણેય ફોર્મેટમાં ઉત્તમ ફોર્મમાં છે. એશિયા કપમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યા પછી, આ ચાઈનામેન બોલર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ ચમક્યો હતો. તેથી, એડિલેડમાં કુલદીપની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નિશ્ચિત માનવામાં આવે છે.
આ બંને ખેલાડીઓ બહાર થઈ શકે છે
હર્ષિત રાણાએ પહેલી ODIમાં બેટ કે બોલથી ખાસ પ્રદર્શન નહતું કર્યું. આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ બીજી ODIમાં પ્રસિદ્ધ કૃષ્ણા સાથે જવાનું નક્કી કરી શકે છે. આ સિવાય વોશિંગ્ટન સુંદરને પણ બહાર કરી શકાય છે. પર્થમાં સુંદર બેટથી પ્રભાવશાળી નહતો રહ્યો, અને તેણે ફક્ત બે ઓવર જ બોલિંગ કરી હતી. કુલદીપને સુંદરની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ.

