ભારતીય મહિલા હૉકી ટીમ એશિયા કપની ફાઇનલમાં, ચીન સામે ટકરાશે

ભારતીય મહિલા હૉકી ટીમ મહિલા એશિયા કપ 2025ની ફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારતે છેલ્લી સુપર ફોર મેચમાં જાપાન સામે 1-1થી ડ્રો રમી હતી જ્યારે ચીને સુપર ફોર મેચમાં કોરિયાને 1-0થી હરાવ્યું હતું. આમ હવે ભારત અને ચીન વચ્ચે રવિવારે ફાઇનલ મેચ હોંગઝોઉમાં રમાશે.
ભારત અને ચીન વચ્ચે મહામુકાબલો
મહિલા હૉકી એશિયા કપની ફાઇનલમાં ચીન અને ભારતની ટક્કર છે. ભારતીય મહિલા હૉકી ટીમે જાપાન વિરૂદ્ધ 1-1થી ડ્રૉ રમી હતી. તે બાદ ભારતીય ટીમની નજર ચીન અને કોરિયાના મુકાબલા પર હતી. આ મેચમાં યજમાન ચીને સુપર 4ની અંતિમ મેચમાં કોરિયાને 1-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કોરિયાની હાર સાથે જ ભારતની ફાઇનલ ટિકિટ પાક્કી થઇ ગઇ હતી.
આ ફાઇનલ મેચ જે પણ જીતશે તે આવતા વર્ષે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં યોજાનારા વર્લ્ડકપ માટે ક્વોલિફાઇ કરી લેશે. મહત્ત્વપૂર્ણ છે કે ભારતીય મેન્સ હૉકી ટીમે એશિયા કપની ફાઇનલ જીતી હતી.

