મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું, કેપ્ટન હરમનપ્રીત સિંહ બન્યો જીતનો હીરો

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો છે.ભારતે શનિવારે (1

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું, કેપ્ટન હરમનપ્રીત સિંહ બન્યો જીતનો હીરો

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો છે.ભારતે શનિવારે (14 સપ્ટેમ્બર) ચીનના હુલુનબુર ખાતેની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે (13મી મિનિટ અને 19મી મિનિટે) બંને ગોલ કર્યા હતા. બીજી તરફ પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ અહેમદ નદીમે (8મી મિનિટે) કર્યો હતો.

ભારત-પાકિસ્તાનની મેચ આવી હતી

મેચ દરમિયાન પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. પાકિસ્તાને રમતની આઠમી મિનિટે લીડ મેળવી, જ્યારે હન્નાન શાહિદ ઝડપથી ભારતીય સર્કલમાં પહોંચી ગયો અને અહેમદ નદીમને પાસ કર્યો. નદીમે ભારતીય ગોલકીપર ક્રિષ્ના બહાદુર પાઠકને ચકમો આપીને ગોલ કર્યો હતો. લગભગ 5 મિનિટ બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને બરાબરી કરી હતી. બીજો ક્વાર્ટર ભારતના નામે રહ્યો હતો, જેમાં હરમપ્રીત સિંહ પેનલ્ટી કોર્નર દ્વારા બીજો ગોલ કરવામાં સફળ રહ્યો હતો.

મેચના હાફ ટાઈમ સુધી ભારત 2-1થી આગળ હતું. ત્યારપછી ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાને બરાબરી કરવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન તેને કેટલાક પેનલ્ટી કોર્નર પણ મળ્યા. પરંતુ ભારતીય ડિફેન્સે આ તકોને નિષ્ફળ બનાવી દીધી હતી. ભારતીય ટીમને ત્રીજા ક્વાર્ટરમાં પણ ગોલ કરવાની તક મળી હતી, પરંતુ તે ફાયદો ઉઠાવી શકી નહોતી. આ પછી ચોથા ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી.

ભારતની સતત પાંચમી જીત

વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમની આ સતત પાંચમી જીત હતી. ભારતીય ટીમે અગાઉની મેચમાં કોરિયાને 3-1થી હરાવ્યું હતું. તે પહેલા ભારતે મલેશિયાને 8-1થી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તે પહેલા ભારતીય હોકી ટીમે ચીનને 3-0 અને જાપાનને 5-0થી હરાવ્યું હતું.

તાજેતરના સમયમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો રહ્યો છે. ગયા વર્ષે હેંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. આ પહેલા ચેન્નાઈમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાન પર 4-0થી જીત મેળવી હતી. જકાર્તામાં 2022 એશિયા કપમાં, યુવા ભારતીય ટીમે પાકિસ્તાન સામે 1-1થી મેચ ડ્રો કરી હતી, જ્યારે 2021 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારત સહિત કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. ગ્રુપ સ્ટેજમાં તમામ ટીમોએ પાંચ-પાંચ મેચ રમવાની છે. સેમીફાઈનલ અને ફાઈનલ અનુક્રમે 16 અને 17 સપ્ટેમ્બરે રમાશે. ભારત આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. ભારતે ગયા વર્ષે ઘરઆંગણે ખિતાબ જીત્યો હતો, આ સાથે તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં 4 ટાઈટલ સાથે સૌથી વધુ ટાઈટલ જીતનારી ટીમ બની હતી. ભારતે આ મામલે પાકિસ્તાનને પાછળ છોડ્યું હતું, જેણે ત્રણ વખત ખિતાબ જીત્યો હતો. ભારત અને પાકિસ્તાન સિવાય માત્ર કોરિયાએ આ ટૂર્નામેન્ટ એક વખત ખિતાબ જીત્યો છે. કોરિયાએ 2021ની સિઝનમાં ટાઈટલ જીત્યું હતું.

આ સમાચાર શેર કરો