IND vs WI 2nd ODI: ગુવાહાટીમાં આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજો મુકાબલો, જાણો કેવો છે વિરાટ અને રોહિતનો રેકોર્ડ

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા જ્યારે મેદાન પર હોય છે, ત્યારે તે ક્રિકેટ ફેન્સ માટે કોઈ ઉત્સવથી ઓછું નથી હોતું. કારણ કે બંને હવે માત્ર વનડે ક્રિકેટ રમે છે અને એવામાં ટીમ ઈન્ડિયાની વનડે મેચ હોવી ફેન્સ માટે ખુશીના સમાચાર હોય છે. ગુવાહાટીમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી વનડે મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયાની નજર સિરીઝ પર કબ્જો કરવા પર રહેશે. વિરાટ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખવા માંગશે, જ્યારે હિટમેન રોહિતની નજર એક ધમાકેદાર ઈનિંગ્સ રમવા પર હશે. એવામાં જાણી લો કે આ મેદાન પર રોહિત અને કોહલીનો વનડે ક્રિકેટમાં રેકોર્ડ કેવો છે?
ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા સિરીઝ જીતવા માટે મેદાનમાં ઊતરશે. આ મેદાન પર રોહિત શર્માનો રેકોર્ડ ઉત્કૃષ્ટ રહ્યો છે. જોકે સેમ્પલ સાઈઝ નાની છે, છતાં રોહિતે અહીં કમાલની બેટિંગ કરી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે જ એક મેચમાં તે અણનમ 152 રન બનાવી ચૂક્યા છે. રોહિતે અહીં બે વનડે મેચ રમી છે, જેમાં એક મેચમાં સદી અને એક મેચમાં અડધી સદી ફટકારી છે. તેમણે કુલ 235 રન બનાવ્યા છે. તેમનો એવરેજ પણ 235નો જ છે અને સ્ટ્રાઈક રેટ 127.71નો છે. 2018માં 117 બોલમાં 152 રનની ઈનિંગ્સ આ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે જ હિટમેને રમી હતી. જો આવો જ કમાલ આજે પણ રોહિત કરે છે, તો તેઓ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લેશે. 73 રન બનાવતાં જ તેઓ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 12 હજાર રન પૂરા કરી લેશે, જ્યારે 103 રન બનાવશે તો ઓપનર તરીકે વનડે ક્રિકેટમાં તેમના 10 હજાર રન પૂરા થઈ જશે.
બીજી તરફ, વિરાટ કોહલીની વાત કરીએ તો આસામમાં તેમનો રેકોર્ડ ખૂબ જ અતુલનીય દેખાય છે. ગુવાહાટીના બારસાપારા અને નેહરુ સ્ટેડિયમમાં વિરાટ 3 મેચ રમી ચૂક્યોે છે અને ત્રણેય મેચમાં તેમણે સદી ફટકારી છે. તેમનો એવરેજ 119.33, સ્ટ્રાઈક રેટ 120.13 અને બેસ્ટ સ્કોર 140 રન છે. 3 મેચોમાં વિરાટે 358 રન બનાવ્યા છે. 2010માં વિરાટે ન્યૂઝીલેન્ડ સામે નેહરુ સ્ટેડિયમમાં 110 રન બનાવ્યા હતા, જ્યારે 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 140 રન ફટકાર્યા હતા. 2023માં 87 બોલમાં 113 રન પણ વિરાટના બેટમાંથી આવ્યા હતા. વિરાટ આ વર્ષે પણ ઉત્કૃષ્ટ ફોર્મમાં છે. તેઓ આ વર્ષે 7 વનડે મેચોમાં 87થી વધુના એવરેજથી 523 રન બનાવી ચૂક્યા છે, જેમાં બે સદી અને 3 અડધી સદી સામેલ છે.

