IND vs SA / ગિલ-અર્શદીપ કે બીજું કોઈ... ત્રીજી T20Iમાં કોનું પત્તું કપાશે? આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન

કટક અને ચંદીગઢ પછી ભારત-સાઉથઆફ્રિકા T20I સિરીઝ હવે ધર્મશાલા પહોંચી ગઈ છે. બંને ટીમો 10 વર્ષના અંતરાલ પછી વિશ્વના સૌથી સુંદર સ્ટેડિયમમાંના એક HPCA સ્ટેડિયમમાં ટકરાશે. પાંચ મેચની સિરીઝ 1-1થી બરાબર હોવાથી, આ ત્રીજી T20I મહત્ત્વપૂર્ણ બનવાની છે. જ્યારે આ મેચ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે, ત્યારે બધાની નજર ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ પર હશે. આમાં એક અગ્રણી નામ શુભમન ગિલ છે, જે સતત નિષ્ફળ રહ્યો છે. તો, શું ટીમ ઈન્ડિયા આ વખતે તેને ડ્રોપ કરશે?
સિરીઝની ત્રીજી મેચ રવિવાર, 14 ડિસેમ્બરે સાંજે ધર્મશાલાના HPCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચમાં વિનાશક પ્રદર્શન બાદ, ટીમ ઈન્ડિયા આ મેચમાં વાપસી કરવા માંગશેશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની ટીમે સિરીઝની પહેલી મેચ 101 રનથી જીતી હતી પરંતુ બીજી મેચ 51 રનથી હારી ગઈ હતી. હવે સિરીઝમાં લીડ મેળવવા માટે તેને ત્રીજી મેચમાં મજબૂત પ્રદર્શન કરવાની જરૂર પડશે.
શું ટીમ ઈન્ડિયા ગિલને ડ્રોપ કરશે?
સૌથી મોટી ચિંતા બેટિંગ ઓર્ડરની છે. ટોપ-ઓર્ડરના બેટ્સમેન બંને મેચમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા હતા. અભિષેક શર્મા આ સિરીઝમાં થોડો બિનઅસરકારક રહ્યો છે, પરંતુ સૌથી મોટી ચિંતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઈસ-કેપ્ટન શુભમન ગિલનું ફોર્મ છે. આ વર્ષે બંનેમાંથી કોઈપણ બેટ્સમેન એક પણ અડધી સદી નથી ફટકારી શક્યો. આ સિરીઝમાં સૂર્યા ફક્ત 17 રન અને ગિલ 4 રન જ બનાવી શક્યો છે.
જ્યારે કેપ્ટનને બહાર ન કરી શકાય, તો શું આ મેચ માટે ગિલને ડ્રોપ કરવામાં આવશે? શું સંજુ સેમસન તેની જગ્યાએ પરત ફરી શકે છે? કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યાના સમર્થનને કારણે, એવું લાગે છે કે શુભમન ગિલને ઓછામાં ઓછી એક તક મળશે. આવી સ્થિતિમાં, આ મેચ ગિલ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
હર્ષિત રાણાને તક મળી શકે છે
બોલિંગની વાત કરીએ તો અર્શદીપ સિંહ છેલ્લી મેચમાં ખૂબ જ એવરેજ દેખાયો હતો. સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ તેની અને જસપ્રીત બુમરાહ સામે ઘણા રન બનાવ્યા હતા, પરંતુ સૌથી મોટો તફાવત નિયંત્રણનો હતો અને અહીં અર્શદીપ માત ખાઈ ગયો ગયો. લેફ્ટ આર્મ પેસરે એક જ ઓવરમાં સાત વાઈડ બોલ ફેંક્યા જેમાં સતત પાંચ વાઈડ બોલનો સમાવેશ થાય છે. તેણે મેચમાં કુલ નવ વાઈડ બોલ ફેંક્યા અને ચાર ઓવરના સ્પેલમાં 54 રન આપ્યા. પરિણામે, તેને આ મેચમાંથી બહાર કરી શકાય છે. આવી સ્થિતિમાં, અર્શદીપની જગ્યાએ હર્ષિત રાણાને તક મળી શકે છે.
ધર્મશાલામાં ભારત લેવા માંગશે 10 વર્ષ જૂનો બદલો
જ્યાં સુધી HPCA સ્ટેડિયમનો સંબંધ છે, ટીમ ઈન્ડિયાએ અહીં કુલ 4 T20I મેચ રમી છે, જેમાં બે જીતી છે અને એક હારી છે. જ્યારે એક મેચ રદ્દ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ અહીં એકમાત્ર હારનો સામનો સાઉથ આફ્રિકા સામે જ કર્યો હતો. બરાબર 10 વર્ષ પહેલાં ઓક્ટોબર 2015માં આ મેદાન પર પ્રથમ T20I મેચ રમાઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટથી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાની નજર 10 વર્ષ જૂની હારનો બદલો લેવા પર હશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, જિતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહ.

