VIDEO: IND vs ENG: ટીમ ઇન્ડિયા માટે ‘કરો કે મરો’ની સ્થિતિ: શ્રેણી જીવંત રાખવા બ્રિસ્ટલમાં કરવો જ પડશે 2018નો ચમત્કાર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 શ્રેણી હવે રોમાંચક અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે. શ્રેણીની ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય ટીમ માટે આ મેચ 'કરો કે મરો' જેવી છે, કારણ કે ટીમ ઇન્ડિયા શ્રેણીમાં પહેલાથી જ 0-2થી પાછળ છે. જો ભારતીય ટીમને શ્રેણી ગુમાવવાથી બચવું હોય, તો તેણે આ મેચમાં ગમે તે ભોગે જીત મેળવવી જ પડશે.
આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે રાત્રે 9:30 વાગ્યે થશે.
અય્યર સામે શાખ બચાવવાનો મોટો પડકાર
જ્યારથી શ્રેયસ અય્યરને ટીમ ઇન્ડિયાનો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ત્યારથી ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે અને ટીમ એક પણ મેચમાં જીત મેળવી શકી નથી. સતત મળી રહેલી હારના કારણે કેપ્ટન શ્રેયસ અય્યર અને ટીમ મેનેજમેન્ટ બંને પર દબાણ ઘણું વધી ગયું છે. આવા સમયે, શ્રેયસ પાસે ન માત્ર પોતાની જાતને એક લીડર તરીકે સાબિત કરવાની, પરંતુ ટીમ ઇન્ડિયાને ફરીથી જીતના ટ્રેક પર લાવવાની આ છેલ્લી અને સૌથી મોટી તક હશે.
8 વર્ષ પછી આ મેદાન પર ઉતરશે ટીમ ઇન્ડિયા
આ મેચની સૌથી ખાસ વાત એ છે કે ભારતીય ટીમ પૂરા 8 વર્ષના લાંબા રાહ બાદ બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર કોઈ T20 મેચ રમવા ઉતરશે. આ પહેલા ભારતે આ મેદાન પર પોતાની એકમાત્ર અને છેલ્લી T20 ઇન્ટરનેશનલ મેચ વર્ષ 2018માં ઇંગ્લેન્ડ સામે જ રમી હતી, જેની યાદો આજે પણ દરેક ભારતીય ફેન્સના મનમાં તાજી છે.
તે મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 198 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. 199 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્માએ મોરચો સંભાળ્યો હતો. રોહિતે ઇંગ્લિશ બોલરોની ધજ્જીયા ઉડાવતા અણનમ 100 રનની તોફાની શતકીય ઇનિંગ રમી હતી. રોહિતની આ સદીના જોરે ભારતે માત્ર 18.4 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરીને એક યાદગાર અને રોમાંચક જીત મેળવી હતી. જો ટીમ ઇન્ડિયાને આ વર્તમાન શ્રેણીમાં પોતાની આશાઓ જીવંત રાખવી હોય, તો તેણે બ્રિસ્ટલના આ જ મેદાન પર પોતાનો 8 વર્ષ જૂનો એ જાદુઈ કરિશ્મોનું પુનરાવર્તન કરવું પડશે.
ઇંગ્લેન્ડનું પ્રદર્શન કેવું રહ્યું છે?
બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડના આંકડા બહુ ખાસ નથી. ઇંગ્લેન્ડની ટીમે અહીં અત્યાર સુધીમાં 5 T20 મેચ રમી છે, જેમાંથી તે માત્ર 2 મેચમાં જ જીત મેળવી શક્યા છે અને 3 મેચમાં હાર નો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડની નજર પણ પોતાના આંકડા સુધારવાની સાથે સાથે શ્રેણી પોતાના નામે કરવા પર રહેશે.

