VIDEO: દુઃખનો પહાડ તૂટી પડ્યો છતાં કર્તવ્ય ન ભૂલ્યો! પિતાના અવસાનના 4 જ દિવસમાં મેસીની ભાવુક વાપસી
વિશ્વના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીના માથા પરથી પિતાનો સાયો છીનવાઈ ગયાના માત્ર 4 દિવસની અંદર જ તેણે ફરી એકવાર ફૂટબોલના મેદાન પર વાપસી કરી છે. પિતાના અવસાનથી ભાંગી પડેલા મેસીના ચહેરા પર ઉદાસી અને આંખોમાં પિતાને ગુમાવવાનું દર્દ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. મેસીને આ સ્થિતિમાં જોઈને વિશ્વભરના કરોડો ચાહકો ભાવુક થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, તેના પિતા જોર્જ મેસીનું 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અર્જેન્ટિનાના રોસારિયો શહેરમાં નિધન થયું હતું. તેઓ માત્ર મેસીના પિતા જ નહીં, પરંતુ તેના કરિયરના લાંબા સમય સુધી એજન્ટ અને બિઝનેસ મેનેજર પણ રહ્યા હતા.
શોક અને ભવિષ્યની અનિશ્ચિતતાઓ વચ્ચે મેદાનમાં વાપસી
પિતા જોર્જ મેસીના અવસાનના સમાચાર મળ્યા બાદ મેસી ફૂટબોલથી દૂર થઈ ગયા હતા અને ઈન્ટર મિયામી ક્લબે પણ પોતાના કેપ્ટનને આ માનસિક આઘાતમાંથી બહાર આવવા માટે બ્રેક આપ્યો હતો. એવી અટકળો ચાલતી હતી કે તે લાંબો સમય રમતથી દૂર રહેશે, પરંતુ અર્જેન્ટિનિયન સુપરસ્ટારે બુધવારે મિયામી ખાતે ચોંકાવનારી વાપસી કરી હતી. લિઓન સામે ઈન્ટર મિયામીની લીગ્સ કપ મેચમાં મેસી બીજા હાફમાં સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં ઉતર્યો હતો. જ્યારે મેસી મેચમાં સામેલ થવા માટે ટચલાઇન તરફ આગળ વધ્યો, ત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે તેને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
પિતાના નામે લખેલી અત્યંત ભાવુક પોસ્ટ
પિતાના નિધન બાદ ફેન્સને આશંકા હતી કે મેસી હવે ક્યારેય ફૂટબોલ મેદાન પર પાછા ફરશે કે નહીં, કારણ કે તેણે સોશિયલ મીડિયા પર પિતાને શ્રદ્ધાંજલિ આપતાં અત્યંત દુઃખી હૃદયે લખ્યું હતું:
"મને નથી ખબર કે તમારા વગર હું શું કરીશ. મને નથી સમજાતું કે આગળ કેવી રીતે વધવું. મેં માત્ર ફૂટબોલ જ રમ્યું છે, અને હવે મને ભારે શંકા છે કે હું તેને વધુ સમય સુધી રમી શકીશ કે નહીં. તમે એક પિતા, મિત્ર અને પ્રતિનિધિ હતા. દરેક પળમાં તમારે જેવા હોવું જોઈતું હતું, તમે હંમેશાં એવા જ રહ્યા અને કોઈ વાતમાં ક્યારેય ખોટા નહોતા. કેટલીક તકરારોને બાદ કરતાં, તમે હંમેશાં સાચા હતા. અંતે બધું એવું જ થયું જેવું તમે કહ્યું હતું. તમારી ખૂબ યાદ આવશે, પરંતુ તમે હંમેશાં અમારી સાથે રહેશો, ખાસ કરીને મારા બાળકોના ઉછેરમાં, કારણ કે હું તેમને એ જ રીતે ઉછેરીશ જે રીતે તમે મને મોટો કર્યો હતો. ભગવાન તમારા આત્માને શાંતિ આપે અને ઉપરથી પણ અમારું ધ્યાન રાખજો. દરેક વસ્તુ માટે આભાર. પપ્પા, હું તમને ખૂબ પ્રેમ કરું છું."
https://www.instagram.com/reels/Db9fgv6illj
વાપસી બાદ પણ હાથ લાગી નિરાશા
મેસીની મેદાન પર વાપસી એવા સમયે થઈ જ્યારે ઈન્ટર મિયામી ક્લબ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. મેસીની ગેરહાજરીમાં અગાઉ ક્લબને મોન્ટેરી સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આથી લીગ્સ કપના અંતિમ ગ્રુપ-સ્ટેજ મેચમાં લિઓન સામે જીતવું મિયામી માટે અત્યંત જરૂરી હતું. આ મેચમાં મેસીને શરૂઆતમાં બેંચ પર રાખવામાં આવ્યા હતા અને હાફ-ટાઈમ પછી મેદાન પર ઉતારવામાં આવ્યા હતા. જોકે, તેમની વાપસી છતાં ઈન્ટર મિયામીનો પરાજય થયો હતો અને લિઓન ટીમે આ મેચ 3-2થી જીતી લીધી હતી.

