VIDEO: આતુરતાનો અંત આવ્યો! સામે આવી ODI વર્લ્ડ કપ 2027ની તારીખ, આ દિવસે રમાશે ફાઈનલ મુકાબલો
ICC ODI વર્લ્ડ કપ 2027 સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાવાનો છે. ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટને લઈને મહત્ત્વની માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્લ્ડ કપની શરૂઆત 4 ઓક્ટોબર 2027ના રોજ થશે, જ્યારે ફાઈનલ મેચ 21 નવેમ્બર 2027ના રોજ રમાશે. લગભગ દોઢ મહિના સુધી ચાલનારા આ ટુર્નામેન્ટમાં કુલ 54 મેચ રમાશે, જેમાં વિશ્વની ટોચની 14 ટીમો ભાગ લેશે.
14 ટીમોને 7-7 ટીમના બે ગ્રુપમાં વહેંચાશે
વર્લ્ડ કપ-2027નું આયોજન અગાઉના 2023ના વર્લ્ડ કપથી અલગ રહેશે. આ વખતે ICCએ 2003માં અપનાવવામાં આવેલા ફોર્મેટને ફરી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠળ 14 ટીમોને 7-7 ટીમના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની 3 ટીમો ‘સુપર-સિક્સ’ રાઉન્ડમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સુપર-સિક્સની ટોચની 4 ટીમો સેમીફાઈનલમાં પહોંચશે અને અંતે 21 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે.
ત્રણ દેશોમાં રમાશે ટુર્નામેન્ટ
વર્લ્ડ કપનું આયોજન ત્રણ દેશોમાં કરવામાં આવશે, જેમાં સાઉથ આફ્રિકા મુખ્ય યજમાન તરીકેની ભૂમિકા ભજવશે. રિપોર્ટ્સ અનુસાર, ટુર્નામેન્ટની મોટાભાગની મેચો તેમજ નોકઆઉટ મુકાબલા સાઉથ આફ્રિકાના આઠ સ્ટેડિયમોમાં યોજાશે. તેમાં જોહાનિસબર્ગનું વાન્ડરર્સ, કેપટાઉનનું ન્યુલેન્ડ્સ અને ડરબનનું કિંગ્સમીડ સ્ટેડિયમ સામેલ છે. ઝિમ્બાબ્વેના હરારે અને બુલાવાયો શહેરોમાં પણ મેચો રમાશે. બીજી તરફ, નામીબિયા પ્રથમ વખત કોઈ મોટી ICC ટુર્નામેન્ટની યજમાની કરશે, જ્યાં બે મેદાનો પર મુકાબલાઓનું આયોજન કરવામાં આવશે.
14 ટીમો વચ્ચે ટ્રોફી માટે જંગ
વર્લ્ડ કપ 2027 માટે યજમાન સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને સીધી એન્ટ્રી મળી છે. આ ઉપરાંત ICC રેન્કિંગમાં ટોચની આઠ ટીમો પણ સીધી ક્વોલિફાય કરશે. જોકે, યજમાન હોવા છતાં નામીબિયાને પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે ક્વોલિફાયર રાઉન્ડમાંથી પસાર થવું પડશે. બાકીના સ્થાનો માટે ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં કડક સ્પર્ધા જોવા મળશે. આ દરમિયાન ભારતીય ટીમ પણ 2023ના વર્લ્ડ કપની નિરાશાને પાછળ મૂકી નવા ફોર્મેટમાં ઈતિહાસ રચવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

