VIDEO: CWG 2026 : જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યો પાંચમો મેડલ
ગ્લાસ્ગોમાં રમાઈ રહેલા કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે. ભારતીય ખેલાડીઓ સતત દેશ માટે મેડલ જીતી રહ્યા છે. સ્પર્ધાના પાંચમા દિવસે ભારતીય વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે 53 કગ્રા કેટેગરીમાં કુલ 199 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ મેળવ્યો છે. છત્તીસગઢના રાજનાંદગામ જિલ્લાના ભોંડિયા ગામની રહેવાસી જ્ઞાનેશ્વરી હાલ પોલીસમાં અસિસ્ટન્ટ સબ-ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્ઞાનેશ્વરીના પિતા દીપક યાદવ પોતે બોડીબિલ્ડર હતા, પરંતુ પરિવાર ચલાવવા માટે તેમણે રમત છોડીને વીજળીનું કામ શરૂ કરવું પડ્યું હતું. દીકરીને એથલીટ બનાવવા માટે તેમણે દિવસમાં 20-20 કલાક કામ કર્યું હતું. કોવિડ મહામારી દરમિયાન જ્યારે સપ્લીમેન્ટ્સ ખરીદવાના પૈસા નહોતા, ત્યારે પણ પિતાએ મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લઈને દીકરીની ટ્રેનિંગ અટકવા દીધી નહોતી. જ્ઞાનેશ્વરીએ 2022માં જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને 2025ના નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે.

