VIDEO / ફરી એકવાર ભારતીય બેટ્સમેનની વિકેટ અંગે વિવાદ, યશસ્વીને આઉટ આપવા પર થયો હોબાળો

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર વિવાદ થઈ ગયો હતો. પેટ કમિન્સના બાઉન્સર બોલ પર યશસ્વી પૂલ શોટ રમ્યો અને બોલ વિકેટકીપરના હાથમાં પકડાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ અપીલ કરી પરંતુ મેદાન પરના અમ્પાયરે યશસ્વીને નોટઆઉટ આપ્યો હતો. પછી ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ લીધો હતો અને તેમાં થર્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો હતો જેથી વિવાદ થયો હતો.
આ પણ વાંચો: IND vs AUS / મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની શર્મનાક હાર, ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં મેળવી 2-1ની લીડ
આ વિવાદ એટલા માટે થયો કારણ કે રિવ્યૂમાં જ્યારે બોલ યશસ્વીના બેટ અને ગ્લોવ્ઝની નજીકથી પસાર થયો ત્યારે સ્નિકો મિટર પર કોઈ હિલચાલ જોવા નહતી મળી. છતાં પણ થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય બદલીને યશસ્વીને આઉટ આપ્યો હતો. આ નિર્ણય જોઈને મેદાન પર હાજર ભારતીય દર્શકોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ભારતીય દર્શકોએ ઓસ્ટ્રેલિયા સામે બૂમાબૂમ કરતા જોવા મળ્યા હતા. યશસ્વી 84 રન કરી આઉટ થયો હતો અને સદી ચૂકી ગયો હતો.
સુનીલ ગાવસ્કરે આપી પ્રતિક્રિયા
થર્ડ અમ્પાયરે આપેલા આ નિર્ણયથી બધા જ ચોંકી ગયા હતા. સ્નિકો મિટરમાં કંઈ દેખાતું ન હોવાથી બધાને આશા હતી કે અમ્પાયર યશસ્વીને નોટઆઉટ આપશે. કોમેન્ટ્રીમાં બેઠેલા પૂર્વ ભારતીય પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગાવસ્કરે કહ્યું હતું કે, 'જો ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ હોય તો આવા નિર્ણયો કેમ આપવામાં આવી રહ્યા છે.'
દર્શકોએ સ્ટેડીયમમાં ચીટર્સના બોર્ડ દેખાડ્યા
યશસ્વીને આઉટ જોઈને ભારતીય ફેન્સ ગુસ્સે થઈ ગયા અને સ્ટેડીયમમાં ચીટર્સના બોર્ડ દેખાડ્યા હતા. આ સિવાય તેના પર SHAME લખેલા બોર્ડ પણ દર્શાવવામાં આવ્યા હતા. આ જોઈને મેદાન પરના અમ્પાયર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. યશસ્વીએ મેદાન પરના અમ્પાયર સાથે ચર્ચા કરી અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તે એકદમ નિરાશ અને ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો.
આવું પહેલીવાર નથી બન્યું
જોકે, આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે થર્ડ અમ્પાયરે આ સિરીઝમાં ખોટો નિર્ણય આપ્યો હોય. પર્થ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ સાથે પણ કંઈક આવું જ થયું હતું. રાહુલને મેદાન પરના અમ્પાયરે આઉટ નહતો આપ્યો. જેની સામે ઓસ્ટ્રેલિયન ટીમે રિવ્યૂ માંગ્યો હતો જેમાં સ્નિકો મિટરમાં કઈ જ નહતું દેખાયું. બોલ રાહુલના પેડ પર વાગ્યો હતો જે સ્નિકો મિટર પર દેખાઈ રહ્યું હતું, પરંતુ તે બેટથી અથડાયો હોવાના કોઈ પૂરાવા નહતા મળ્યા. જોકે, થર્ડ અમ્પાયરે રાહુલને આઉટ આપ્યો હતો.

