અમદાવાદમાં યોજાઈ શકે છે BCCIની બેઠક: 2027ના વનડે WCમાં રોહિત-વિરાટ રમશે કે નહીં, તેનો નિર્ણય લેવાશે

આવતીકાલ 30 નવેમ્બરથી ભારત સાઉથ આફ્રિકા સામે વનડે સિરીઝ શરૂ કરશે. આ વનડે સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમતા જોવા મળશે. આ બંને ખેલાડીઓને લઈને હજુ પણ તેમના ચાહકો અસમંજસમાં છે કે વર્ષ 2027માં વનડે વર્લ્ડકપ સુધી આ ખેલાડીઓ રમશે કે નહીં?
જો કે, હવે આ મામલે BCCI મોટો નિર્ણય લે તેવી શક્યતા છે. સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ બાદ હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે બેઠક કરે તેવી શક્યતા છે.
અમદાવાદમાં યોજાઇ શકે છે આ બેઠક
મીડિયા અહેવાલ સામે આવ્યા છે, તે અનુસાર સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ બાદ અમદાવાદમાં BCCI બેઠક કરશે. જેમાં 2027 વનડે વર્લ્ડકપને લઈને ચર્ચા કરવામાં આવશે. બંને ખેલાડીઓથી BCCIને શું અપેક્ષા છે તેની પણ જાણ બંને ખેલાડીઓને કરવામાં આવશે. આ બેઠકમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વર્લ્ડકપમાં ભૂમિકા અને ટીમની વ્યૂહનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયામાં રોહિત અને વિરાટનું શાનદાર પ્રદર્શન
નોંધનીય છે કે, છેલ્લે ઑસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં રોહિત શર્માએ સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ પણ 74 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ તો પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝ ઍવોર્ડ પણ જીત્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. એવામાં BCCI દ્વારા તેમના ફિટનેસ અંગે પણ તેમને સવાલ પૂછવામાં આવી શકે છે.

