VIDEO: હાર છતાં રોહિત-વિરાટ પર BCCIને પૂર્ણ વિશ્વાસ, રાજીવ શુક્લાએ કહ્યું- 'બંનેમાં હજુ પણ મેચ...'
ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી ત્રીજી ODI મેચમાં ભારતીય ટીમને 27 રનથી હારનો સામનો કરવો પડ્યો છે અને આ સાથે જ ભારતે 3 મેચોની ODI સિરીઝ 2-1થી ગુમાવી દીધી છે. જોકે, ભારતીય ટીમની આ હાર છતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ ટીમના વરિષ્ઠ અને દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શનની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ બંને આઈકોન ખેલાડીઓએ ફરી એકવાર પોતાની ક્ષમતા અને તાકાત સાબિત કરી દીધી છે.
ડેથ ઓવર્સની નબળાઈ નડી, પણ બેટિંગ રહી શાનદાર
રાજીવ શુક્લાએ મેચ બાદ આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે, ઈંગ્લેન્ડની ટીમે અંતિમ ઓવર્સમાં ખૂબ જ વધારે રન બનાવી લીધા હતા. ખાસ કરીને છેલ્લી 3 ઓવરમાં ઈંગ્લેન્ડે 60 રન લૂંટી લીધા, જે ભારતીય બોલિંગની મોટી નબળાઈ સાબિત થઈ અને તેના કારણે ઈંગ્લેન્ડ 387/3નો વિશાળ સ્કોર ઊભો કરી શક્યું.
જોકે આ મુશ્કેલ લક્ષ્યાંક સામે ભારતીય બેટ્સમેનોએ જે રીતે લડત આપી, તેનાથી રાજીવ શુક્લા ખૂબ પ્રભાવિત દેખાયા હતા. આ વિશે તેમણે કહ્યું, "આપણા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું, ખાસ કરીને આપણા અનુભવી આઇકોન્સ વિરાટ કોહલી અને રોહિત શર્માએ. તેમણે ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ અત્યંત મજબૂત બેટ્સમેન છે અને તેમનામાં હજુ પણ મેચ પલટાવવાની પૂરેપૂરી તાકાત છે."
રોહિત-વિરાટ અને શુભમનની ત્રિપુટીએ જીત્યા દિલ
મેચ દરમિયાન રોહિત શર્માએ ટીકાકારોને જડબાતોડ જવાબ આપતા 110 બોલમાં 138 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જે તેની ODI કારકિર્દીની 34મી સદી હતી. આ સાથે જ તે લોર્ડ્સના મેદાન પર ODI સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર પણ બન્યો છે.
બીજી તરફ, વિરાટ કોહલીએ પણ ફોર્મમાં વાપસી કરતા 60 બોલમાં 74 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ મેચમાં રોહિત શર્માએ પહેલા શુભમન ગિલ (77 રન) સાથે 147 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી અને ત્યારબાદ વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 113 રનની શાનદાર પાર્ટનરશિપ નોંધાવી હતી. આ સદીની પાર્ટનરશિપ સાથે જ રોહિત અને વિરાટે ODI ક્રિકેટમાં પોતાની 21મી સદીની પાર્ટનરશિપ પૂરી કરી છે અને તેઓ સચિન તેંડુલકર તથા સૌરવ ગાંગુલીની જોડી પછી ઈતિહાસમાં બીજા ક્રમે પહોંચી ગયા છે.
ટીમનું કોમ્બિનેશન એકદમ યોગ્ય
BCCI વાઈસ પ્રેસિડેન્ટે ભારતીય ટીમના વર્તમાન પ્રદર્શન અને સ્થિતિ પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું, "મારા મતે આજના મુકાબલાની સૌથી મોટી હાઈલાઈટ રોહિત શર્મા અને વિરાટ કોહલીની બેટિંગ હતી અને ત્યારબાદ શુભમન ગિલે પણ સરસ સાથ આપ્યો. તેથી મને લાગે છે કે ટીમનું કોમ્બિનેશન ઘણું સારું છે અને બધું બરાબર છે. માત્ર એટલું જ કે વિરોધી ટીમે છેલ્લે થોડા વધારે રન બનાવી લીધા, જેના કારણે આપણે આ સંઘર્ષનો સામનો કરવો પડ્યો." ભલે ભારતીય ટીમ આ મેચ જીતી ન શકી હોય, પરંતુ બોર્ડના આ સત્તાવાર નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રોહિત અને વિરાટના ભવિષ્યને લઈને BCCI સંપૂર્ણપણે સકારાત્મક છે.

