VIDEO: DPLમાં મેચ બાદ મેદાન પર જ બબાલ; બે સ્ટાર ક્રિકેટર વચ્ચે ભયંકર ઝઘડો, લોકોએ વચ્ચે પડી છૂટા પાડ્યા
ભારતને પોતાની કેપ્ટનશીપમાં અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર યશ ધુલ અને IPLમાં પંજાબ કિંગ્સ માટે વિસ્ફોટક બેટિંગ કરનાર પ્રિયાંશ આર્યા દિલ્હીના સ્ટાર ખેલાડીઓમાં ગણાય છે. આ બંને સ્ટાર ખેલાડીઓની ટીમો વચ્ચે મેદાન પર એવી બબાલ થઈ કે જેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં ભેગી થયેલી ભીડ જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે મામલો કેટલો ગંભીર છે.
વાત છે દિલ્હી પ્રીમિયર લીગ (DPL)ની વર્તમાન સીઝનની. યશ ધુલ સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે, તો બીજી તરફ પ્રિયાંશ આઉટર દિલ્હી વોરિયર્સ તરફથી રમી રહ્યો છે. આ બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી અને મેચ પૂરી થયા બાદ મોટી બબાલ થઈ ગઈ.
મેદાનમાં જ બબાલ
સોશિયલ મીડિયા પર આ મેચ બાદનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મેચ બાદ યશ ધુલ અને પ્રિયાંશ વચ્ચે ભયંકર બબાલ થઈ થઈ હતી. બંને ટીમના ખેલાડીઓ તેમને વચ્ચે પડીને અલગ કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યશની ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ એક ખેલાડીને સમજાવી રહ્યા છે, જે યશ હોવાનું કહેવાય છે. જ્યારે પ્રિયાંશની ટીમનો એક ખેલાડી ભીડમાંથી એક ખેલાડીને બહાર કાઢીને અલગ લઈ જઈ રહ્યો છે, જે પ્રિયાંશ હોવાની માહિતી મળી રહી છે.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અહેવાલો મુજબ, બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી અને આ મામલો સંભવતઃ મેચ દરમિયાનનો છે, જે બાદમાં વધી ગયો હતો.
આવી રહી મેચ
વોરિયર્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. ટીમ તરફથી યજસ શર્માએ 46 રનની ઈનિંગ રમી હતી અને તે ટીમનો સર્વોચ્ચ સ્કોરર રહ્યો હતો. ધુલની કેપ્ટનશીપ હેઠળની સેન્ટ્રલ દિલ્હીની ટીમ ભારે પ્રયાસો છતાં 17.2 ઓવરમાં 191 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ધુલે પોતાની ટીમ માટે 47 રન બનાવ્યા હતા. તેણે 23 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આ ઈનિંગ રમી હતી. ટીમ માટે સૌથી વધુ સ્કોર જસવીર સેહરાવતે બનાવ્યો હતો. તેમણે 33 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 62 રનની ઈનિંગ રમી હતી.

