VIDEO: ઈંગ્લેન્ડ સામે ODI સિરીઝ હાર્યા બાદ ગુસ્સે થયો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- ' જેઓ 2-3 મેચોની આખી સિરીઝ...'
ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમની T20 અને ODI સિરીઝમાં શરમજનક હાર થયા બાદ હવે વર્લ્ડ કપની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. T20માં શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાની 4-0થી શરમજનક હાર થઈ છે, જ્યારે ODIમાં શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતનો 2-1થી પરાજય થયો છે. લોડ્સમાં રમાયેલી છેલ્લી ODIમાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા ગિલે ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે, "અમારા ખેલાડીઓ 2-3 મેચોની આખી સિરીઝ નથી રમી શકતા, તો વર્લ્ડ કપમાં શું થશે?
ભારતીય ટીમ વર્લ્ડકપમાં સતત 11 મેચ કેવી રીતે રમશે?
કેપ્ટન ગિલે ત્રીજી ODI બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "ભારતીય ટીમના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમમાં સતત ફેરફાર કરવો પડી રહ્યો છે, તેથી આમાં સુધારો કરવો ખુબ જરૂરી છે. અમારી ટીમે વર્લ્ડ કપમાં સતત 11 મેચ રમવી પડશે, પરંતુ ટીમમાં એવા ખેલાડીઓ છે, જેઓ 2-3 મેચોની આખી સિરીઝ નથી રમી શકતા. કેટલાક ખેલાડીઓ 1-2 મેચ રમે છે, જેમાં તેમને નાની-મોટી ઈજા થઈ જાય છે, જેના કારણે અમારે જુદી ટીમ પસંદ કરીને રમવું પડે છે. તેથી જ એક ટીમ તરીકે અમારે અમારી ફિટનેસ અને પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે."
ઈજાગ્રસ્ત ખેલાડીઓથી ભારતીય ટીમ ચિંતિત
ઉલ્લેખનીય છે કે, અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે ભારતીય ટીમ હાલ અનેક પડકારોનો સામનો કરી રહી છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ IPL 2026 પછી એકપણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. હાર્દિકના સ્થાને તૈયાર થઈ રહેલો નીતિશ કુમાર રેડ્ડી પણ ઈજાગ્રસ્ત છે. તેને અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં ઈજા થઈ હતી. ત્યાર પછી વરૂણ ચક્રવર્તી અને હર્ષિત રાણા ઈંગ્લેન્ડ સામેની ODI પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. એટલું જ નહીં જસપ્રીત બુમરાહને ઘૂંટણમાં ઈજા હોવાના કારણે તેને લોડ્સ ODIમાં સામેલ નહતો કરાયો.

