મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Religion / શિવભક્તો શા માટે લગાવે છે ત્રિપુંડ? જાણો તેનું ધાર્મિક મહત્વ, જ્યોતિષીય રહસ્ય અને સાચી રીત

સનાતન ધર્મમ

Religion / શિવભક્તો શા માટે લગાવે છે ત્રિપુંડ? જાણો તેનું ધાર્મિક મહત્વ, જ્યોતિષીય રહસ્ય અને સાચી રીત
આ સમાચાર સાંભળો

સનાતન ધર્મમાં કપાળ પર તિલક લગાવવાનું વિશેષ મહત્ત્વ છે. પછી ભલે તે પૂજા-અર્ચના દરમિયાન ભગવાનને તિલક કરવાનું હોય કે ભક્તો દ્વારા સ્વયં ધારણ કરવાનું હોય. શાસ્ત્રો અનુસાર તિલક વિના કોઈપણ પૂજા કે શુભ કાર્ય પૂર્ણ માનવામાં આવતું નથી.

વિવિધ સંપ્રદાયો અને ગુરુ પરંપરાઓમાં અનેક પ્રકારના તિલક લગાવવામાં આવે છે. તેમાં ભગવાન શિવના ઉપાસકો કપાળ પર ત્રિપુંડ ધારણ કરે છે. ત્રિપુંડને અત્યંત પવિત્ર અને મહાદેવનો મહાપ્રસાદ માનવામાં આવે છે.

ત્રિપુંડનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ

ત્રિશક્તિનું પ્રતીક: ત્રિપુંડ ભગવાન શિવના ત્રિનેત્રનું પ્રતીક છે. વાસુદેવ ઉપનિષદ અનુસાર ત્રિપુંડ ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ), ત્રણ વ્યાહૃતિ (ભૂઃ, ભુવઃ, સ્વઃ) અને ત્રણ અગ્નિઓનું પ્રતિનિધિત્વ કરે છે.

જ્ઞાન અને તપ: ત્રિપુંડ જ્ઞાન, પવિત્રતા અને યોગ સાધનાનું પ્રતીક છે.

પાપનાશક અને કલ્યાણકારી: પુરાણો અનુસાર ત્રિપુંડ એટલું પ્રભાવશાળી છે કે તેનું દર્શન કરવા માત્રથી દુર્ભાગ્ય દૂર થાય છે. તેને ધારણ કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે તેમજ દેવી-દેવતાઓ અને ઋષિમુનિઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ત્રિપુંડનું જ્યોતિષીય રહસ્ય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્રિપુંડની ત્રણેય આડી રેખાઓ નવગ્રહોના પ્રભાવ સાથે જોડાયેલી છે:

ઉપરની રેખા: દેવગુરુ બૃહસ્પતિનું પ્રતીક છે.

મધ્ય રેખા: શનિદેવનું પ્રતીક છે.

નીચેની રેખા: સૂર્યનારાયણનું પ્રતીક છે.

કપાળ પર ત્રિપુંડ ધારણ કરવાથી આ ત્રણેય પ્રભાવશાળી ગ્રહોના શુભ પરિણામ મળે છે અને વ્યક્તિનું સુતેલું ભાગ્ય જાગૃત થાય છે.

ત્રિપુંડ ધારણ કરવાની વિધિ અને નિયમો

શુદ્ધતા: ત્રિપુંડ ધારણ કરતાં પહેલાં સ્નાન કરીને તન અને મનથી પવિત્ર થવું જરૂરી છે. અશુદ્ધ સ્થિતિમાં ત્રિપુંડ ક્યારેય ન લગાવવું.

યોગ્ય દિશા: ત્રિપુંડ લગાવતી વખતે મુખ હંમેશાં પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવું.

પ્રસાદ સ્વરૂપ ધારણ: સૌપ્રથમ શિવલિંગ અથવા મહાદેવની મૂર્તિ પર ભસ્મ કે ચંદન અર્પણ કરવું, ત્યારબાદ તે જ ભસ્મ પ્રસાદ સ્વરૂપે પોતાના કપાળ પર લગાવવી.

આંગળીઓનો ઉપયોગ: ભસ્મ કે સફેદ ચંદનથી ત્રિપુંડ બનાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જમણા હાથની વચ્ચેની ત્રણ આંગળીઓ (તર્જની, મધ્યમા અને અનામિકા) વડે કપાળ પર ડાબેથી જમણી તરફ ત્રણ આડી રેખાઓ બનાવવી.

મંત્ર જાપ: ભસ્મમાં થોડું શુદ્ધ જળ મેળવી ત્રિપુંડ લગાવતી વખતે નીચે મુજબના મંત્રનો જાપ કરવો:

'ॐ अग्निरिति भस्म। ॐ वायुरिति भस्म। ॐ जलमिति भस्म। ॐ व्योमेति भस्म। ॐ सर्वं ह वा इदं भस्म। ॐ मन एतानि चक्षूंषि भस्मानीति।'

અંગો પર ભસ્મ ધારણ: કપાળ પર ત્રિપુંડ લગાવ્યા પછી કંઠ, બંને ભુજાઓ અને હૃદય પર ભસ્મ લગાવી મનમાં 'ॐ नमः शिवाय' મંત્રનો ભાવપૂર્વક જાપ કરવો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો