Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Why Daksha curse Narada?

Religion/ VIDEO: રાજા દક્ષે નારદજીને કેમ આપ્યો શ્રાપ? જાણો આ પૌરાણિક કથા!

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિંદુ ધર્મમાં દેવર્ષિ નારદને ભગવાનના પરમ ભક્ત અને જ્ઞાનના સંદેશવાહક માનવામાં આવે છે. પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે પ્રજાપતિ દક્ષ તેમના પર એટલા ક્રોધિક થઈ ગયા કે તેમણે નારદજીને શ્રાપ આપી દીધો. એવું કહેવાય છે કે આ શ્રાપના કારણે જ નારદજી આજે પણ ત્રણેય લોકમાં ભ્રમણ કરતા રહે છે.

App Store

પૌરાણિક કથા અનુસાર, પ્રજાપતિ દક્ષને પાંચ હજાર પુત્રો હતા, જેમને 'હર્યશ્વ' કહેવામાં આવતા હતા. દક્ષ ઈચ્છતા હતા કે તેમના પુત્રો સૃષ્ટિનો વિસ્તાર કરે અને આગળ જતાં પૃથ્વીનું સંચાલન સંભાળે.

આ દરમિયાન દેવર્ષિ નારદ તેમની પાસે પહોંચ્યા. તેમણે હર્યશ્વોને કેટલાક એવા પ્રશ્નો પૂછ્યા જેનો જવાબ તેમની પાસે નહોતો. નારદજીએ કહ્યું કે જ્યાં સુધી પૃથ્વી વિશે સંપૂર્ણ માહિતી ન હોય, ત્યાં સુધી તેના પર શાસન કરવાની વાત કેવી રીતે થઈ શકે? તેમણે યુવાનોને પહેલા સંસારને સમજવાની અને સત્યની શોધ કરવાની સલાહ આપી.

નારદજીની વાતોની હર્યશ્વો પર ઊંડી અસર પડી. તેઓ જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા અને પછી ક્યારેય પોતાના ઘરે પાછા ન ફર્યા.

બીજી વખત પણ એ જ બન્યું

પોતાના પુત્રો પાછા ન આવવાને કારણે દક્ષ ખૂબ દુખી થયા. ત્યારબાદ તેમણે બીજા એક હજાર પુત્રોને જન્મ આપ્યો, જેમના નામ 'શવલાશ્વ' રાખવામાં આવ્યા.

પ્રજાપતિ દક્ષને આશા હતી કે આ વખતે તેમના પુત્રો તેમની ઈચ્છા પૂરી કરશે. પરંતુ જ્યારે નારદજી શવલાશ્વો પાસે પહોંચ્યા, ત્યારે તેમણે તેમને પણ એ જ શિખામણ આપી. પરિણામે તેઓ પણ સત્ય અને જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા અને ક્યારેય પાછા ન આવ્યા.

ક્રોધમાં આવીને પ્રજાપતિ દક્ષે આપ્યો શ્રાપ

સતત પોતાના પુત્રોને ગુમાવ્યા પછી દક્ષની ધીરજ ખૂટી ગઈ. તેમણે નારદજીને કહ્યું કે જો દરેક વ્યક્તિ ઘર-પરિવાર છોડી દેશે તો સૃષ્ટિનો વિસ્તાર કેવી રીતે થશે અને સંસાર કેવી રીતે ચાલશે?

નારદજીએ જવાબ આપ્યો કે તેમણે કોઈને મજબૂર નથી કર્યા. તેમણે માત્ર સત્યનો માર્ગ બતાવ્યો હતો, તે માર્ગ પર ચાલવાનો નિર્ણય પુત્રોએ પોતે જ લીધો હતો.

આ સાંભળ્યા પછી પણ દક્ષનો ક્રોધ શાંત ન થયો. તેમણે નારદજીને શ્રાપ આપતા કહ્યું કે જે રીતે તેમના પુત્રો સંસારમાં ભટકી રહ્યા છે, તે જ રીતે નારદજીએ પણ હંમેશા ત્રણેય લોકમાં ભટકવું પડશે. તેમને ક્યારેય કોઈ કાયમી રહેઠાણ (સ્થિર જગ્યા) નહીં મળે.

એટલે જ દેવર્ષિ નારદ હંમેશા યાત્રા કરે છે

ધાર્મિક માન્યતાઓ અનુસાર, દક્ષના આ જ શ્રાપના કારણે નારદજી એક જગ્યાએ રોકાતા નથી. તેઓ સતત એક લોકમાંથી બીજા લોકમાં ફરતા રહે છે અને ભગવાનનું નામ તથા ધર્મનો સંદેશ ફેલાવતા રહે છે.

પ્રજાપતિ દક્ષના ઘરે માતા સતીનો જન્મ

પૌરાણિક કથાઓમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષના પત્ની પ્રસૂતિ આદિશક્તિના મોટા ભક્ત હતા. તેમણે અને દક્ષે વર્ષો સુધી તપસ્યા કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમની પુત્રી તરીકે જન્મ લેવાનું વચન આપ્યું.

સમય આવતા પ્રસૂતિએ એક તેજસ્વી કન્યાને જન્મ આપ્યો, જેમનું નામ 'સતી' રાખવામાં આવ્યું. એવી માન્યતા છે કે સતીના મુખમાંથી નીકળેલો પહેલો શબ્દ "શિવ" હતો. આગળ જતાં માતા સતીના લગ્ન ભગવાન શિવ સાથે થયા અને તેમની આ કથા હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્ત્રોતો જેવા કે પંચાંગો, ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રોમાંથી સંકલિત કરીને માત્ર માહિતીના હેતુથી આપવામાં આવી છે. GSTV આની પુષ્ટિ કરતું નથી. આ અંગે વધુ વિગતો માટે સંબંધિત વિષયના નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.