Religion / ગંગા નદીમાં જ શા માટે કરવામાં આવે છે અસ્થિ વિસર્જન? જાણો પૌરાણિક માન્યતા અને આધ્યાત્મિક રહસ્ય

હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પૂર્ણ વિધિવિધાન સાથે કરવામાં આવે છે. આ માત્ર એક પરંપરા નથી, પરંતુ એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ આધ્યાત્મિક સંસ્કાર છે. દાહસંસ્કાર બાદ અસ્થિ અને ભસ્મને ગંગા જેવી પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવાનો નિયમ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અસ્થિ વિસર્જન માટે ગંગા નદીને જ સર્વોચ્ચ સ્થાન કેમ આપવામાં આવ્યું છે? આવો જાણીએ તેની પાછળનું આધ્યાત્મિક મહત્વ અને શાસ્ત્રોક્ત કારણો.
પંચમહાભૂતમાં વિલીન થતો દેહ
હિન્દુ દર્શન અને ગરુડ પુરાણ અનુસાર, મનુષ્યનું શરીર પંચતત્વ—પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ—થી બનેલું છે. મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર થતાં શરીર રાખ બનીને આ તત્વોમાં વિલીન થઈ જાય છે. પરંપરા મુજબ, દાહસંસ્કારના ત્રણ દિવસમાં અસ્થિઓ એકત્રિત કરવામાં આવે છે અને 10 દિવસની અંદર તેનું ગંગા અથવા અન્ય પવિત્ર જળાશયમાં વિસર્જન કરવું અનિવાર્ય માનવામાં આવે છે.
શા માટે અસ્થિ વિસર્જન ગંગામાં જ શ્રેષ્ઠ?
સનાતન ધર્મમાં માતા ગંગાને 'મોક્ષદાતા' માનવામાં આવે છે. પદ્મ પુરાણના સ્વર્ગ ખંડમાં ગંગામાં અસ્થિ વિસર્જનના મહિમા વિશે ઉલ્લેખ છે કે, જ્યાં સુધી વ્યક્તિની અસ્થિઓ ગંગા કે નર્મદાના પવિત્ર જળમાં રહે છે, ત્યાં સુધી તે જીવ હજારો વર્ષો સુધી સ્વર્ગલોકનું સુખ ભોગવે છે.
ગંગાને મોક્ષદાયિની શા માટે કહેવાય છે?
પૌરાણિક કથા મુજબ, સૂર્યવંશી રાજા ભગીરથે કઠોર તપસ્યા કરીને દેવલોકમાંથી માતા ગંગાને પૃથ્વી પર ઉતાર્યા હતા, જેથી તેમના ૬૦,૦૦૦ પૂર્વજોને મુક્તિ મળી શકે. આથી જ ગંગા જળમાં સ્નાન કે તેમાં અસ્થિ વિસર્જનથી પાપોનું શમન થાય છે અને આત્માને મોક્ષ મળે છે તેવી દ્રઢ માન્યતા છે. પવિત્ર ગંગામાં અસ્થિ પધરાવવાથી જીવ જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ પરમ શાંતિ અને બ્રહ્મલોકને પામે છે.
હરિદ્વાર, કાશી (વારાણસી) અને પ્રયાગરાજ અસ્થિ વિસર્જન માટે સૌથી પવિત્ર તીર્થક્ષેત્રો ગણાય છે, જેમાં હરિદ્વારનું માહાત્મ્ય વિશેષ છે.
અસ્થિ વિસર્જનના આધ્યાત્મિક લાભ
શાસ્ત્રો અનુસાર, જ્યાં સુધી વિધિવત અંતિમ સંસ્કાર અને અસ્થિ વિસર્જન પૂર્ણ ન થાય, ત્યાં સુધી જીવ મોહ અને વાસનાના બંધનને લીધે પૃથ્વી પર ભટકતો રહે છે. સમયસર વિસર્જન ન થાય તો જીવાત્મા નકારાત્મક પરિબળો વચ્ચે અટવાઈ જાય છે. ગંગાજીમાં અસ્થિ વિસર્જન થતાં જ આત્માને સાંસારિક બંધનોમાંથી કાયમી મુક્તિ મળે છે અને પરલોકની યાત્રા નિર્વિઘ્ન બને છે.
કોઈપણ પવિત્ર નદીમાં અસ્થિ પધરાવી શકાય છે, પરંતુ દિવ્ય ઉત્પત્તિ, આધ્યાત્મિક પવિત્રતા અને શાસ્ત્રોક્ત મહત્વને કારણે ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવું એ સર્વોત્તમ કલ્યાણકારી માનવામાં આવે છે.

