કોણ હતા કિષ્કિંધાની રાણી તારા? જાણો વાલી સાથે કેવી રીતે થયા હતા તેમના લગ્ન

રામાયણમાં જ્યારે ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજી ૧૪ વર્ષના વનવાસમાં હતા, ત્યારે લંકાપતિ રાવણે છળકપટથી માતા સીતાનું અપહરણ કર્યું હતું. સીતાજીની શોધમાં ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં ભટકતા અનેક ઋષિમુનિઓ તથા પરાક્રમી યોદ્ધાઓને મળ્યા.
આ શોધ દરમિયાન ભગવાન શ્રીરામની મુલાકાત વાનરરાજ વાલીના ભાઈ સુગ્રીવ સાથે થઈ હતી. વાલી કિષ્કિંધાના રાજા હતા અને તેમની પત્ની તારા એક અપ્સરા સમાન રૂપવાન અને અત્યંત બુદ્ધિશાળી હતાં. પરંતુ પરાક્રમી વાલીની પત્ની તારા કોણ હતાં અને તેમના લગ્ન વાલી સાથે કેવી રીતે થયા? આવો જાણીએ તેની પાછળની પૌરાણિક કથા.
કોણ હતાં તારા?
તારા કિષ્કિંધાના વાનર રાજા વાલીની પત્ની અને કિષ્કિંધાની મહારાણી હતાં. તેઓ પરાક્રમી રાજકુમાર અંગદની માતા હતાં. પૌરાણિક માન્યતાઓ અનુસાર, તેમને દેવગુરુ બૃહસ્પતિના અંશાવતાર અથવા વાનર વૈદ્ય સુષેણની પુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ પૌરાણિક પરંપરામાં તારાનું સ્થાન 'પંચકન્યા'માં અત્યંત આદરણીય માનવામાં આવે છે.
વાલી અને તારાના લગ્ન કેવી રીતે થયા?
એક પૌરાણિક કથા મુજબ, સમુદ્ર મંથન દરમિયાન જે ૧૪ રત્નો અને અપ્સરાઓ પ્રગટ થયા, તેમાં તારાનો પણ સમાવેશ થાય છે. જ્યારે તારા મંથનમાંથી પ્રગટ થયાં ત્યારે તેમનું અલૌકિક સૌંદર્ય જોઈને વાલી અને સુષેણ બંને તેમના પર મોહિત થઈ ગયા અને તેમની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. બંને વચ્ચે વિવાદ અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતાં ભગવાન વિષ્ણુએ દરમિયાનગીરી કરી.
ભગવાન વિષ્ણુએ બંનેને તારા પાસે ઊભા રહેવાનો આદેશ આપ્યો. આદેશનું પાલન કરતાં વાલી તારાની જમણી બાજુ અને સુષેણ તેમની ડાબી બાજુ ઊભા રહ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મશાસ્ત્ર મુજબ નિર્ણય આપતાં કહ્યું કે, "શાસ્ત્રો અનુસાર કન્યાદાન કરનાર પિતા ડાબી બાજુ અને વર (પતિ) જમણી બાજુ ઊભો રહે છે." આ ન્યાય મુજબ સુષેણને તારાના પિતા અને વાલીને તેમના પતિ તરીકે સ્વીકારવામાં આવ્યા. આમ, તારાના લગ્ન વાલી સાથે સંપન્ન થયા.
તારાની અસાધારણ બુદ્ધિપ્રતિભા
તારા માત્ર રૂપવાન જ નહીં પણ અત્યંત નીતિવાન અને દીર્ઘદ્રષ્ટા હતાં. જ્યારે સુગ્રીવે વાલીને બીજી વાર દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યો, ત્યારે તારાએ વાલીને સાવચેત કરતાં કહ્યું હતું કે તાજેતરમાં હાર પામેલા સુગ્રીવનો આટલો મોટો આત્મવિશ્વાસ કોઈ સામાન્ય બાબત નથી; તેમની પાછળ અયોધ્યાના રાજકુમાર શ્રીરામ જેવી કોઈ દૈવી અને અજેય શક્તિનું પીઠબળ હોવું જોઈએ. જોકે વાલીએ તેમના આ સૂચનને નકારી કાઢ્યું હતું.

