જ્યાં કુબેરજીને મળ્યું 'ખજાનચી'નું પદ: કુબેરેશ્વર મહાદેવ મંદિરનો અનોખો મહિમા અને ચમત્કાર

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામે આવેલું છે કુબેર ભંડારી મંદિર. મંદિરનું નામ ભલે કુબેર ભંડારી હોય, પરંતુ અહીં બિરાજે છે ‘કુબેરેશ્વર મહાદેવ’. રાવણને લંકાની ગાદી મળતા કુબેરજી નારાજ થઈ ગયા હતા અને નર્મદા કિનારે આવીને મહાદેવજીની તપશ્ચર્યા કરી હતી. આવો જાણીએ આ મંદિરની રોચક ગાથા…
શું છે મંદિરની પૌરાણિક કથા?
શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે, લંકાની ગાદી મેળવવા માટે રાવણે મહાદેવની આરાધના કરી હતી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને રાવણને લંકાની ગાદી આપી અને લંકેશ બનાવ્યા હતા. જ્યારે આ ગાદી માટે રાવણના મોટાભાઈ કુબેર હકદાર હતા. તેમને લંકાની ગાદી ન મળતા તેઓ નારાજ થઈ જાય છે અને કરનાળી ગામે આવીને નર્મદા કાંઠે શિવજીની તપશ્ચર્યા કરે છે.
શિવજીએ કુબેરજીને બનાવ્યા ખજાનચી
જ્યારે મહાદેવ કુબેરજી પર પ્રસન્ન થાય છે ત્યારે કુબેરજી ફરિયાદ કરે છે કે, લંકાની ગાદી મને મળવાપાત્ર હતી, તે છતાં તમે રાવણને આપી દીધી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે, ‘રાવણ પણ મારો ભક્ત છે અને તું પણ મારો ભક્ત છે. લંકાની ગાદી ભલે તને ના મળી હોય પણ હું તને તેનાથી પણ મોટું પદ આપીશ.’ ત્યારબાદ ભોળાનાથ કુબેરને દેવોના ખજાનચી બનાવે છે અને ત્યારબાદ તેઓ કુબેર ભંડારી તરીકે ઓળખાય છે. આમ, કુબેરજીએ શિવજીને રીઝવવા માટે નર્મદા કાંઠે શિવલિંગની સ્થાપના કરી હતી, તેથી તેઓ ‘કુબેરેશ્વર મહાદેવ’ તરીકે ઓળખાય છે.
રસોડું ચાલુ કરતા પહેલાં દીવો પ્રગટાવવાની પરંપરા
શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે, આજે પણ લગ્નપ્રસંગે રસોડું ચાલુ કરતા પહેલાં કુબેરજીનો દીવો પ્રગટાવવામાં આવે છે. કારણ કે, એવી માન્યતા છે કે, તે પ્રસંગે ભંડારો ખૂટતો નથી. દેવોના ખજાનચી કુબેરના નામે કુબેરેશ્વર મહાદેવજીની પાસે જ શાલિગ્રામ રૂપે સ્વયં વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. મા જગદંબા પણ આ મંદિરમાં બિરાજમાન છે.
પાંચ અમાસ ભરવાથી મનોકામના પૂર્ણ થવાની માન્યતા
આ મંદિરે અમાસ ભરવાની અનોખી માન્યતા છે. એવું માનવામાં આવે છે કે, જે કોઈ વ્યક્તિ અમાસના દિવસે નર્મદામાં સ્નાન કરીને કુબેર ભંડારી દાદાના દર્શન કરે છે તો તેનું જીવન સુખદાયી અને ફળદાયી રહે છે. આ ઉપરાંત દાદા અહીં આવતા તમામ શિવભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે. શ્રાવણ મહિનામાં તો આ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે. આ મંદિરનું સંચાલન કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જ્યાં ભાવિક ભક્તો માટે વિનામૂલ્યે પાર્કિંગ અને મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

