દીવનું ચમત્કારિક શિવાલય! જ્યાં દરિયાદેવ રાત-દિવસ કરે છે શિવલિંગનો જળાભિષેક

Gangeshwar Mahadev: ગુજરાતના દરિયાકિનારાઓએ અનેક શિવમંદિરો આવેલા છે. તેમાંથી ઘણાં જાણીતા છે, તો ઘણાં ઓછા જાણીતા છે. આવું જ એક શિવાલય આવેલું છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દરિયાકિનારે. જેની સ્થાપના પાંડવોએ કરી હોવાનું માનવામાં આવે છે. આ શિવાલય એટલે ‘ગંગેશ્વર મહાદેવ’. દરિયાદેવ આ શિવાલયનો અવિરત જળાભિષેક કરતા રહે છે. આવો જાણીએ રોચક ગાથા…
શું છે પૌરાણિક કથા?
એવી માન્યતા છે કે, વનવાસ દરમિયાન પાંચેય પાંડવો દીવના દરિયાકિનારે આવ્યા હતા. ત્યારબાદ દરેક પાંડવે અહીં મહાદેવજીની આરાધના કરી હતી. તેમની આરાધનાથી પ્રસન્ન થઈ શિવજી અહીં પ્રગટ્યા અને શિવલિંગ રૂપે સ્વયંભૂ પ્રગટ થયા હતા. પાંડવોએ અમાસની રાતના દિવસે અહીં સ્વયંભૂ શિવલિંગની પૂજા-અર્ચના કરી હતી. આ મંદિરમાં પાંચ શિવલિંગ આવેલા છે. એવું કહેવાય છે કે, આ દરેક શિવલિંગ સામે નંદીની પ્રતિમા પણ હતી. પરંતુ કાળક્રમે પ્રતિમા નાશ પામી છે.

સમુદ્રદેવ દિવસભર કરે છે જળાભિષેક
આ મંદિર સમુદ્રકિનારે આવેલું છે. ત્યારે દિવસભર સમુદ્રદેવ મહાદેવનો જળાભિષેક કરતા હોય છે. આ નજારો ખૂબ જ મનોરમ્ય હોય છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓ પણ છે. આ મંદિરની આસપાસનું વાતાવરણ એટલું શાંતિપૂર્ણ છે કે, જ્યારે પણ કોઈ આ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને સમુદ્રનાં મોજાઓનો અવાજ સ્પષ્ટપણે સંભળાય છે.

અરબી સમુદ્રના કિનારે આવેલા આ મંદિરનું નામ ગંગેશ્વર રાખવામાં આવ્યું છે. કારણ કે, ભગવાન શિવનું એક નામ ‘ગંગેશ્વર’ છે. માતા ગંગાને જટામાં ધારણ કરતાં જ તેમને ‘ગંગેશ્વર’ ઓળખવામાં આવે છે. તે નામ પરથી આ મંદિરને ‘ગંગેશ્વર મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પાંચ શિવલિંગ છે, તેથી આ મંદિરને ‘પંચ શિવલિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો આ મંદિરને ‘દરિયાકિનારાના મંદિર’ તરીકે પણ ઓળખાવે છે.

