નવરાત્રિમાં જ્યાં ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર; માત્ર એક દર્શનથી જ દૂર થાય છે દુઃખ

આજે 24 માર્ચ 2026 ના રોજ ચૈત્ર નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. આ પવિત્ર દિવસે દેવી દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાયનીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. મહર્ષિ કાત્યાયનના પુત્રી તરીકે અવતર્યા હોવાથી તેમનું નામ 'કાત્યાયની' પડ્યું છે. શક્તિ અને નિર્ભયતાના પ્રતીક સમાન માતાજીની ભક્તિ કરવાથી જીવનના તમામ કષ્ટો અને અવરોધો દૂર થાય છે તેવી માન્યતા છે.
આજના વિશેષ દિવસે, ચાલો જાણીએ દેશના એવા પ્રખ્યાત શક્તિપીઠ અને સિદ્ધપીઠ મંદિરો વિશે જ્યાં મા કાત્યાયની સાક્ષાત્ બિરાજમાન છે.
દિલ્હીનું સુપ્રસિદ્ધ છતરપુર મંદિર
દિલ્હીના છતરપુરમાં મા કાત્યાયનીનું અત્યંત ભવ્ય અને શક્તિશાળી મંદિર આવેલું છે. અહીં માતાજી શસ્ત્રો સાથે ભક્તોને દિવ્ય દર્શન આપે છે. આ મંદિરની ખાસિયત એ છે કે મા કાત્યાયનીના મુખ્ય દરબારના દર્શન વર્ષમાં માત્ર 12 દિવસ જ થાય છે (ચૈત્ર અને શારદીય નવરાત્રિના નવ દિવસ તેમજ અન્ય ખાસ તિથિઓ). બાકીના સમયે આ દરબાર બંધ રહે છે. દિલ્હી મેટ્રો દ્વારા અહીં સરળતાથી પહોંચી શકાય છે.
મા કાત્યાયની ધામ, ખગરિયા (બિહાર)
બિહારના ખગરિયામાં આવેલું મા કાત્યાયનીનું આ મંદિર ૫૧ શક્તિપીઠોમાં સ્થાન ધરાવે છે. પૌરાણિક કથા મુજબ, અહીં સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો.
લોકમાન્યતા: અહીં માતાજીને પશુધનની રક્ષા કરનારી દેવી તરીકે પણ પૂજવામાં આવે છે.
ઈતિહાસ: માનવામાં આવે છે કે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી ભક્તને અહીં મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. શરૂઆતમાં માટીનું નાનું મંદિર હતું, જે આજે ભવ્ય સ્વરૂપ લઈ ચૂક્યું છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે અહીં વિશેષ શૃંગાર અને મહાપૂજાનું આયોજન થાય છે.
વૃંદાવનનું પવિત્ર કાત્યાયની શક્તિપીઠ (ઉમા શક્તિપીઠ)
વૃંદાવનમાં આવેલું આ મંદિર પણ 51 શક્તિપીઠો પૈકીનું એક છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર ભૂમિ પર દેવી સતીના કેશ (વાળ) પડ્યા હતા.
ગોપીઓની તપસ્યા: શ્રીમદ્ ભાગવત અનુસાર, વૃંદાવનની ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ જ સ્થળે મા કાત્યાયનીની કઠોર તપસ્યા કરી હતી.
અહીં માતા ઉમાને દેવી કાત્યાયનીના દિવ્ય સ્વરૂપે પૂજવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળે છે.

