ઘરમાં પૂર્વજોના ફોટા લગાવતી વખતે આટલું ધ્યાન રાખો, ઘરમાં આવશે સુખ-સમૃદ્વિ

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે, જેમાં પૂર્વજોના ફોટા (છબી) મૂકવા અંગેના ચોક્કસ નિયમો જણાવવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે જો પૂર્વજોના ફોટા યોગ્ય દિશામાં રાખવામાં આવે તો પરિવાર પર તેમના આશીર્વાદ જળવાઈ રહે છે અને ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહે છે. ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ પૂર્વજોના ફોટા કઈ દિશામાં રાખવા શુભ છે અને ક્યાં ન રાખવા જોઈએ.
પૂર્વજોના ફોટા રાખવાની યોગ્ય દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની દક્ષિણ દિશા પૂર્વજોના ફોટા મૂકવા માટે સર્વશ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ દિશા યમરાજ અને પૂર્વજોની ગણાય છે. દક્ષિણ દિશામાં પૂર્વજોની છબી રાખવાથી તેઓ પ્રસન્ન રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
કઈ દિશામાં ફોટા ન રાખવા જોઈએ?
ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ): આ દિશા દેવી-દેવતાઓ અને મંદિર માટે અનામત છે. અહીં પૂર્વજોના ફોટા રાખવાથી દેવદોષ લાગે છે અને ઘરની શાંતિ હણાઈ શકે છે.
પૂર્વ દિશા: પૂર્વ દિશામાં પૂર્વજોના ફોટા રાખવાથી પરિવારના સભ્યોને પ્રગતિમાં અવરોધ અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ઉત્તર દિશા: આ દિશા ધનના દેવતા કુબેરની માનવામાં આવે છે. અહીં પૂર્વજોના ફોટા રાખવાથી આર્થિક તંગી અને નાણાકીય નુકસાન થવાની શક્યતા રહે છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
દેવસ્થાન (મંદિર): પૂર્વજો પૂજનીય છે પરંતુ તેઓ ભગવાન નથી. તેથી, ઘરના મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ સાથે પૂર્વજોના ફોટા ક્યારેય ન મૂકવા જોઈએ.
બેડરૂમ અને રસોડું: પિતૃઓના ફોટા ક્યારેય શયનખંડ (બેડરૂમ) કે રસોડામાં ન રાખવા. તેનાથી પરિવારના સભ્યોમાં માનસિક તણાવ અને ક્લેશ વધી શકે છે.
મુખ્ય દ્વાર: ઘરના મુખ્ય દરવાજાની સામે કે તેની આસપાસ પિતૃઓના ફોટા લગાવવા અશુભ માનવામાં આવે છે, જે જીવનમાં અનેક સમસ્યાઓ નોતરી શકે છે.
જીવિત વ્યક્તિ સાથે: વાસ્તુશાસ્ત્ર મુજબ, ક્યારેય જીવિત વ્યક્તિના ફોટા પૂર્વજોના ફોટા સાથે ન રાખવા જોઈએ. આમ કરવાથી જીવિત વ્યક્તિના આયુષ્ય અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.
દિવાલ પર લટકાવવા: પિતૃઓના ફોટા સીધા દિવાલ પર લટકાવવાને બદલે તેમને કોઈ લાકડાના સ્ટેન્ડ કે અભરાઈ પર રાખવા વધુ યોગ્ય છે. દિવાલ પર લટકાવવાથી વાસ્તુદોષ સર્જાઈ શકે છે.

