Religion: બેડરૂમમાં રહેલી આ વસ્તુઓ બની શકે છે ઝઘડાનું કારણ, ગરીબીથી બચવા તાત્કાલિક કરો દૂર

ઘરમાં બેડરૂમ એ માત્ર આરામ કરવાની જગ્યા નથી, પરંતુ તે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં રહેલી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને ખાસ કરીને વૈવાહિક સંબંધો પર સીધી અસર કરે છે. ઘણીવાર શણગારના નામે આપણે એવી વસ્તુઓ રાખીએ છીએ જે નકારાત્મકતા ફેલાવે છે. જો તમારા જીવનમાં પણ બિનજરૂરી તણાવ રહેતો હોય, તો આ વાસ્તુ ટીપ્સ તમારા માટે છે.
અરીસાની ખોટી દિશા
વાસ્તુશાસ્ત્ર મુજબ, સૂતી વખતે શરીરનો કોઈ પણ ભાગ અરીસામાં દેખાવો જોઈએ નહીં. પલંગની બરાબર સામે અરીસો હોવાથી પતિ-પત્ની વચ્ચે અવિશ્વાસ વધે છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થાય છે. જો અરીસો હટાવવો શક્ય ન હોય, તો રાત્રે તેને કપડાથી ઢાંકી દેવો હિતાવહ છે.
દેવી-દેવતાઓની ઉગ્ર તસવીરો
બેડરૂમમાં ક્યારેય દેવી-દેવતાઓની ઉગ્ર મૂર્તિઓ કે યુદ્ધના દ્રશ્યો ન રાખવા જોઈએ. તેમજ પૂર્વજોની તસવીરો પણ બેડરૂમમાં લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તે માનસિક અશાંતિ પેદા કરી શકે છે. તેના બદલે રાધા-કૃષ્ણની તસવીર કે હંસની જોડી જેવા પ્રેમ અને શાંતિના પ્રતીકો લગાવી શકાય.
બંધ કે તૂટેલી ઘડિયાળ
બેડરૂમમાં બંધ પડેલી ઘડિયાળ કે બગડેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. તે પ્રગતિમાં અવરોધ લાવે છે અને નકારાત્મક ઉર્જાનો સંગ્રહ કરે છે.
પલંગની નીચે ભરેલો કચરો
ઘણા લોકો પલંગની નીચે જૂના પગરખાં, સુટકેસ કે બિનજરૂરી સામાન ભરી રાખે છે. વાસ્તુ મુજબ પલંગ નીચેની જગ્યા ખાલી અને સ્વચ્છ હોવી જોઈએ. ત્યાં રાખેલી ભારે વસ્તુઓ માનસિક તણાવ વધારે છે અને સકારાત્મક ઉર્જાના પ્રવાહને રોકે છે.
સંબંધોમાં મધુરતા લાવવાના સરળ ઉપાયો
સિંધવ મીઠાનો ઉપયોગ: અઠવાડિયામાં એકવાર પાણીમાં સિંધવ મીઠું નાખી બેડરૂમમાં પોતું કરવાથી નકારાત્મકતા દૂર થાય છે.
સુગંધિત વાતાવરણ: બેડરૂમમાં ગુલાબ અથવા લવંડર જેવી હળવી સુગંધનો ઉપયોગ કરો, જે મનને શાંત રાખે છે.
હળવા રંગોની પસંદગી: દીવાલો પર ગુલાબી, આછો વાદળી અથવા ક્રીમ જેવા સોફ્ટ કલર્સનો ઉપયોગ કરો. આ રંગો પ્રેમ અને સુમેળમાં વધારો કરે છે.

