Religion: ભારતનું એકમાત્ર મંદિર જ્યાં પત્નીઓ સાથે થાય છે સૂર્યદેવની પૂજા, દેવરાજ ઇન્દ્રએ પણ કરી હતી અહીં પૂજા

ધર્મ ગ્રંથોમાં જે પંચદેવ કહેવાયા છે, તેમાં સૂર્યદેવ પણ એક છે. આ પંચદેવોમાંથી એકમાત્ર સૂર્ય જ છે જે આપણને દેખાય છે. સૂર્યદેવના અનેક રહસ્યમય અને પ્રાચીન મંદિરો આપણા દેશમાં છે. એવું જ એક મંદિર આંધ્રપ્રદેશમાં પણ છે. આ મંદિર સાથે અનેક પરંપરાઓ અને માન્યતાઓ જોડાયેલી છે જે તેને વધુ ખાસ બનાવે છે. કહેવાય છે કે આ દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં પત્નીઓ સાથે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે.
સૂર્યદેવનું આ પ્રાચીન મંદિર ક્યાં છે?
સૂર્યદેવનું આ પ્રાચીન મંદિર આંધ્રપ્રદેશના અરસાવલ્લી ગામથી 1 કિમી દૂર પૂર્વ દિશામાં શ્રીકાકુલમ જિલ્લામાં આવેલું છે. આ મંદિર લગભગ 1800 વર્ષ જૂનું કહેવાય છે પરંતુ અહીં સ્થાપિત સૂર્યદેવની મૂર્તિ સતયુગના સમયની છે. મંદિરમાં લાગેલા શિલાલેખોથી જાણવા મળે છે કે આ મંદિર ૭મી સદીમાં કલિંગ સામ્રાજ્યના શાસક દેવેન્દ્ર વર્માએ બનાવડાવ્યું હતું. રાજા દેવેન્દ્ર વર્માએ આ સ્થળ ગુરુકુલ માટે દાનમાં આપ્યું હતું. એટલે કે આ જ જગ્યાએ ક્યારેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું.
દેવરાજ ઇન્દ્રએ સ્થાપિત કરી હતી સૂર્યદેવની આ મૂર્તિ
પ્રચલિત કથા અનુસાર, એક વખત દેવરાજ ઇન્દ્રએ ઘમંડમાં ચૂર થઈને ભગવાન શિવના સ્થાન પર જબરદસ્તી ઘૂસવાનો પ્રયાસ કર્યો, પરંતુ નંદીએ તેમને આવું કરતા અટકાવ્યા. આ જોઈને સૂર્યદેવને પણ ગુસ્સો આવ્યો અને તેમના તેજ પ્રકાશના કારણે દેવરાજ ઇન્દ્રને બધું દેખાતું બંધ થઈ ગયું. ત્યારે દેવરાજ ઇન્દ્રએ આ સ્થળે સૂર્યદેવની મૂર્તિ સ્થાપિત કરી તેની પૂજા કરી. જેના કારણે દેવરાજ ઇન્દ્રને ફરીથી બધું દેખાવા લાગ્યું.
૫ ફૂટ ઊંચી છે સૂર્યદેવની મૂર્તિ
આ મંદિરમાં સ્થાપિત ભગવાન સૂર્યદેવની મૂર્તિ લગભગ ૫ ફૂટ ઊંચી છે. સૂર્યદેવની મૂર્તિની બંને બાજુ તેમની બંને પત્નીઓ છાયા અને સંધ્યાની મૂર્તિ પણ છે. મંદિરમાં પંચદેવોની મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ કારણથી સૌર, શૈવ, શાક્ત, વૈષ્ણવ અને ગાણપત્ય સંપ્રદાયના લોકો માટે પણ આ મંદિર ખાસ છે. દૂર-દૂરથી લોકો અહીં દર્શન અને પૂજા કરવા આવે છે. અહીં ભગવાન સૂર્યને વરુના નામથી પૂજવામાં આવે છે.

