Religion / રાત્રે કે વહેલી સવારે એક જ સમયે અચાનક ઊંઘ ઊડી જવી: જાણો તેનું આધ્યાત્મિક અને માનસિક રહસ્ય

ઘણીવાર એવું બને છે કે કોઈ પણ એલાર્મ વગર રાત્રે કે વહેલી સવારે દરરોજ એક ચોક્કસ સમયે આપણી ઊંઘ અચાનક ઊડી જાય છે. આ સામાન્ય જાગરણ નથી, પરંતુ અચાનક ગભરાટ કે ચમકીને જાગવાની સ્થિતિ છે. આધ્યાત્મિક માન્યતાઓ અને શાસ્ત્રો અનુસાર, આવું નિયમિત બનવું એ કોઈ ખાસ દૈવી સંકેત અથવા શરીર અને મનમાં રહેલા ઊર્જા સ્તરના ફેરફાર તરફ ઈશારો કરે છે.
જાણો રાત્રિના અલગ-અલગ પહોરમાં અચાનક ઊંઘ ઊડવાના સંકેતો અને તેના નિવારણના ઉપાયો:
રાત્રે ૯ થી ૧૧ વાગ્યાની વચ્ચે ઊંઘ ન આવવી:
આ સમય ઊંઘવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જો આ સમયગાળામાં ઊંઘ ન આવે અથવા બેચેની રહે, તો તે અતિશય માનસિક તણાવ અને ચિંતાનો સંકેત છે. આ સમયે શાંત ચિત્તે ઈષ્ટદેવનું ધ્યાન ધરવું અને 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો, જેથી મન શાંત થાય અને સારી ઊંઘ આવે.
રાત્રે 11 થી 1 વાગ્યાની વચ્ચે અચાનક જાગવું:
આ સમય ભાવનાત્મક ઉથલપાથલ અને મનમાં દબાયેલા ગુસ્સા કે પશ્ચાતાપનું પ્રતીક છે. આ સમયે જાગી જાઓ તો પાણી પીને શાંત થવું, ઈશ્વરનું સ્મરણ કરવું અને મનમાં કોઈના પ્રત્યે દ્વેષ હોય તો ક્ષમાભાવ કેળવવો. ક્ષમા આપવાથી માનસિક શાંતિ મળે છે.
રાત્રે 1 થી 3 વાગ્યાની વચ્ચે આંખ ખૂલવી:
આ મધ્યરાત્રિનો ગૂઢ અને શક્તિશાળી સમય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સમય ક્રોધ, નકારાત્મકતા અથવા ઊર્જાના ભારે પ્રવાહને દર્શાવે છે. આ સમયે જાગી જાઓ તો શાંત બેસીને પોતાના ઇષ્ટદેવનું નામસ્મરણ કરવું કે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જેનાથી માનસિક શાંતિ મળે છે અને ભય દૂર થાય છે.
સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગવું (બ્રહ્મ મુહૂર્તનો આરંભ):
સવારે ૩ થી ૫નો સમય પવિત્ર 'બ્રહ્મ મુહૂર્ત' માનવામાં આવે છે. જો આ સમયે તમે સકારાત્મક ઊર્જા સાથે જાગો છો, તો તે દૈવી કૃપા અને આધ્યાત્મિક જાગૃતિનો સંકેત છે. આ સમયે કરેલી પ્રાર્થના અને સંકલ્પ અચૂક ફળે છે. પરંતુ જો તમે ગભરાટ, ભારેપણું કે ડર સાથે જાગો છો, તો તે નકારાત્મક ઊર્જા કે માનસિક અસ્વસ્થતા હોઈ શકે છે. આવા સંજોગોમાં સવારે ઘરમાં ગૂગળ કે કપૂરનો ધૂપ કરવો અને ગાયત્રી મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ છે.
સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે જાગવું:
આ કુદરતી રીતે જાગવાનો અને દિનચર્યા શરૂ કરવાનો આદર્શ સમય છે. જો આ સમયે અસ્વસ્થતા, ભારેપણું કે અચાનક ગભરાટ સાથે ઊંઘ ઊડે, તો તે ભાવનાત્મક અવરોધ અથવા શારીરિક થાક સૂચવે છે. સ્નાન કરી સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું અને ધ્યાન ધરવાથી દિવસભર સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું

