Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : On the India-Pak border sits 'Koteshwar Mahadev' the wonderful myth of Ravana and Shivalinga!

ભારત-પાક બોર્ડર પર બિરાજે છે 'કોટેશ્વર મહાદેવ' રાવણ અને શિવલિંગની અદ્ભુત પૌરાણિક કથા!

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ભારત-પાક બોર્ડર પર બિરાજે છે 'કોટેશ્વર મહાદેવ' રાવણ અને શિવલિંગની અદ્ભુત પૌરાણિક કથા!
સોર્સ : gstv

ગુજરાતના છેડે કચ્છ… 'ને કચ્છના પશ્ચિમ છેડે પાકિસ્તાન બોર્ડરથી અમુક કિલોમીટરના અંતરે આવેલું છે અતિપૌરાણિક રામાયણકાળનું શિવાલય. એકબાજુ અરબ સાગરના ઘૂઘવતા મોજા અને આવી અતિરમણીય જગ્યાએ બિરાજમાન કોટેશ્વર મહાદેવ. કચ્છના લખપત તાલુકાના કોટેશ્વર ગામે આવેલું છે પૌરાણિક કોટેશ્વર મહાદેવનું મંદિર. આવો જાણીએ આ શિવાલય સાથે જોડાયેલી અદ્ભુત કથા…

App Store

શું છે પૌરાણિક કથા?

દંતકથા પ્રમાણે, આ મંદિરની કથા લંકાપતિ રાવણથી શરૂ થાય છે. રાવણે કૈલાસ પર્વત પર શિવજીની આકરી તપશ્ચર્યા કરી હતી. ત્યારે ભોળાનાથ રાવણ પર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. રાવણે વરદાનમાં મહાદેવજી પાસે માગ્યુ કે, ‘હું તમારી ભક્તિ હંમેશા કરતો રહું તે માટે શિવલિંગ આપો.’ ત્યારે ભગવાન શિવ રાવણને એક શિવલિંગ આપે છે અને સાથે જ શરત પણ રાખે છે કે, ‘તું શિવલિંગ લંકા લઈ જાય, ત્યારે વચ્ચે ક્યાંય જમીન પર મૂક્યું તો હું ત્યાં જ સ્થાપિત થઈ જઈશ અને પછી ત્યાંથી તું મને ઉપાડી શકીશ નહીં.’ રાવણ શિવલિંગ લઈને નીકળે છે. ત્યારે દેવોને આ વાતની જાણ થતાં તે શિવલિંગ પડાવી લેવા માટે કાવતરું ઘડે છે.

દેવતાઓ કપટથી રાવણને છેતરે છે

આ કપટમાં બ્રહ્માજી ગાયનું સ્વરૂપ ધારણ કરે છે અને કીચડવાળા ખાડામાં પડે છે. જ્યારે ગાયને બહાર કાઢવા માટે દેવ ઋષિનું રૂપ ધારણ કરે છે. રાવણ આકાશમાર્ગે પુષ્પકમાં શિવલિંગ લઈને જતો હોય છે. ત્યારે તેની નજર આ દૃશ્ય પર પડે છે અને તે જોવે છે કે, ખાડામાં પડેલી ગાય ઋષિથી બહાર નીકળતી નથી. ત્યારે ઋષિ રાવણને મદદ કરવા જણાવે છે. ત્યારે રાવણ ગાયને બચાવવાના ઉત્સાહમાં શિવલિંગ જમીન પર મૂકી દે છે. ત્યારબાદ ગાય બહાર નીકળી ગયા પછી રાવણ શિવલિંગ ઉપાડવાનો પ્રયત્ન કરે છે, પણ શિવલિંગ કોટિ થઈ ગયું હોય છે. રાવણને સમગ્ર ઘટનાનો ખ્યાલ આવી જાય છે અને તે ખૂબ પસ્તાય છે. અંતે રાવણ આ જગ્યાએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા શિવલિંગની પૂજા કરે છે. ત્યારબાદ આ જગ્યા ‘કોટેશ્વર મહાદેવ’ના નામે ઓળખાય છે.

કોટેશ્વરનું પ્રાચીન મહત્વ

કોટેશ્વરની વધુ એક ઐતિહાસિક વાત કરીએ તો, આ જગ્યા થોડા વર્ષો પહેલાં બંદર હતી. વર્ષો પહેલાં ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગ જ્યારે ભારતભ્રમણ કરવા આવે છે, ત્યારે તે આ મંદિરે આવ્યો હોવાનો ઉલ્લેખ તેના વર્ણનોમાં મળી આવે છે. તેના વર્ણનોમાં ઉલ્લેખ હોય છે કે, તે સમયે આ સ્થળે શૈવમંદિર અને પાશુપત સાધુઓ હોય છે. હાલ આ બંદરની પ્રાચીન મહત્તા નાશ પામી છે. ગામથી કોટેશ્વરનું મંદિર એક માઈલ છેટે ટેકરા ઉપર આવેલું છે.

દરિયાકાંઠે આવેલા છે જૂના મંદિરના અવશેષો

આ મંદિરના દરવાજા ઉપરના એક લેખ મુજબ હાલનું મંદિર સંવત 1877માં બંધાયું હોવાનો ઉલ્લેખ જોવા છે. આ સ્થળનું પ્રાચીન મંદિર તદ્દન નાશ પામ્યું છે અને એની કેટલીક નિશાનીઓ સમુદ્રના કાંઠે આજે પણ હયાત છે. હાલ અહીં કોટેશ્વર અને નીલકંઠ બે શૈવમંદિરો ફકત છે, પણ નારાયણ સરોવર પણ એક કાળે કાનફટા બાવાઓના હાથમાં હતું એ જોતાં કોટેશ્વર જૂના કાળમાં મોટું તીર્થ હશે અને એ મંદિરના પાશુપત આચાર્યોનું જોર હશે તેવું ગણી શકાય.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:GSTV NewsGujarati News