સાંજે ઘરના આ ભાગોમાં ક્યારેય ન રાખો અંધારું: વાસ્તુ અનુસાર થઈ શકે છે નકારાત્મક ઊર્જાનો પ્રવેશ

હિન્દુ ધર્મ અને પરંપરામાં સંધ્યાકાળનું વિશેષ મહત્વ છે. આ એવો સંધિકાળ છે જ્યારે દિવસ પૂરો થાય છે અને રાત્રિની શરૂઆત થાય છે. શાસ્ત્રો અનુસાર, સાંજના સમયે માતા લક્ષ્મીજીનું પૃથ્વી પર ભ્રમણ થાય છે.
આ જ કારણથી આપણા વડીલો હંમેશા સાંજે ઘરમાં દીવો પ્રગટાવવાની અને મુખ્ય પ્રવેશદ્વારને સ્વચ્છ રાખવાની સલાહ આપતા આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, સાંજે ઘરના અમુક ભાગોમાં અંધારું રાખવું અશુભ માનવામાં આવે છે. જો આ સ્થાનો અંધકારમય રહે, તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ શકે છે અને સુખ-સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.
જાણો ઘરના તે મહત્વપૂર્ણ સ્થાનો વિશે, જ્યાં સાંજે રોશની રાખવી અત્યંત જરૂરી છે:
મુખ્ય પ્રવેશદ્વાર
ઘરનો મુખ્ય દરવાજો માત્ર સભ્યોની આવનજાવનનો માર્ગ નથી, પરંતુ ઊર્જાના સંચારનું કેન્દ્ર પણ છે. જો સૂર્યાસ્ત પછી મુખ્ય દ્વાર પર અંધારું રહે, તો વાસ્તુ મુજબ ત્યાં નકારાત્મક શક્તિઓ અને અલક્ષ્મીનો વાસ થાય છે. અંધકારના કારણે સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી.
ઉપાય: સૂર્યાસ્ત થતાં જ મુખ્ય દ્વાર પર ઘી કે તેલનો દીવો પ્રગટાવો અથવા તેજસ્વી બલ્બ ચાલુ કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા, શાંતિ અને લક્ષ્મીજીનું આગમન થાય છે.
ઈશાન ખૂણો અને પૂજાઘર
વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણાને (ઉત્તર-પૂર્વ દિશા) દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે અને મોટાભાગે પૂજાઘર આ જ દિશામાં સ્થાપિત હોય છે. સાંજનો સમય દેવી-દેવતાઓની આરતી અને અર્ચનાનો હોય છે. જો સંધ્યા સમયે મંદિર કે ઈશાન ખૂણામાં અંધારું રહે, તો વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે, જેનાથી પરિવારના સભ્યોમાં માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે.
ઉપાય: સાંજે પૂજાઘરમાં અચૂક ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવો. જો તમે બહાર જવાના હો, તો પણ મંદિરમાં નાનો ઝીરો-વોટનો બલ્બ ચાલુ રાખી શકો છો.
આ સ્થાને પણ અંધારું ન રાખવું:
આ બે સ્થાનો ઉપરાંત, સાંજના સમયે રસોડામાં પણ અંધારું ન રાખવું જોઈએ. રસોડાને માતા અન્નપૂર્ણાનું સ્થાન ગણવામાં આવે છે. સૂર્યાસ્ત બાદ રસોડામાં પ્રકાશ રાખવાથી અન્ન અને સ્વાસ્થ્ય સંબંધિત સમૃદ્ધિ જળવાઈ રહે છે.

