ઘરમાં કાચ કે અરીસો અચાનક તૂટવો શુભ કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્રના નિયમો અને વ્યવહારિક કારણો

ઘરમાં અચાનક અરીસો, કાચ કે કાચની કોઈ વસ્તુ તૂટી જાય ત્યારે લોકો તેને શુભ કે અશુભ શુકન સાથે જોડવા લાગે છે. ભારતીય સંસ્કૃતિમાં કાચ અને અરીસાને લઈને ઘણી પરંપરાગત અને વાસ્તુ માન્યતાઓ પ્રચલિત છે. કેટલાક લોકો તેને તોળાઈ રહેલી મુસીબતનો સંકેત માને છે, જ્યારે કેટલાક લોકો તેને નકારાત્મક ઊર્જાનો અંત માને છે. ત્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ તેનું સાચું કારણ શું છે અને વ્યવહારિક દ્રષ્ટિએ શું ધ્યાન રાખવું જોઈએ, તે સમજવું જરૂરી છે.
અચાનક કાચ તૂટવાનો અર્થ શું છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરમાં કોઈ દેખીતા કારણ વગર અચાનક કાચ તૂટી જાય તો તેના બે મુખ્ય અર્થઘટન કરવામાં આવે છે:
સંકટ ટળવાનો સંકેત: એક માન્યતા અનુસાર, કાચ ઘર પર આવનારી નકારાત્મક ઊર્જા કે સંકટને પોતાના પર ઝીલી લે છે. તેથી કાચ તૂટવાનો અર્થ એવો પણ થાય છે કે પરિવાર પર આવનારી મોટી મુશ્કેલી ટળી ગઈ છે.
બેદરકારીની ચેતવણી: જો ઘરમાં વારંવાર કાચ તૂટતો હોય તો તેને ઘરની અસંતુલિત વ્યવસ્થા અને વાતાવરણ પર ધ્યાન આપવાની ચેતવણી માનવામાં આવે છે.
તૂટેલો કે તિરાડવાળો અરીસો ઘરમાં રાખવો અશુભ વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલો કે તિરાડ પડેલો અરીસો ઘરમાં રાખવો અત્યંત અશુભ માનવામાં આવે છે. આવો અરીસો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે છે અને વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે.
વ્યવહારિક દ્રષ્ટિકોણથી પણ તૂટેલો કાચ રાખવો જોખમી છે. તેનાથી પરિવારના સભ્યોને વાગવાનો કે ઈજા થવાનો ભય રહે છે. જો ડ્રેસિંગ ટેબલ, કબાટ કે બાથરૂમનો અરીસો તૂટે કે તેમાં તિરાડ પડે, તો તેને તાત્કાલિક બદલી નાખવો જોઈએ.
કાચ તૂટ્યા પછી શું કરવું?
કાચ તૂટે ત્યારે ગભરાયા વગર સૌથી પહેલાં સલામતીને પ્રાથમિકતા આપો.
જમીન પર પડેલા કાચના નાના-નાના ટુકડાને તાત્કાલિક કાળજીપૂર્વક સાફ કરો, જેથી બાળકો, વડીલો કે પાલતુ પ્રાણીઓને ઈજા ન થાય.
તૂટેલા કાચને ઘરની બહાર સુરક્ષિત રીતે ફેંકી દો.
જો વારંવાર કાચ તૂટતો હોય તો વાસ્તવિક કારણો ચકાસો ઘરમાં જો વારંવાર કાચ તૂટતો હોય તો તેને માત્ર અંધશ્રદ્ધા કે શુકન-અપશુકન સાથે જોડવાને બદલે તેના ટેકનિકલ અને વ્યવહારિક કારણો તપાસવા જરૂરી છે:
બારી-બારણાં કે ફર્નિચરમાં કાચનું ફિટિંગ યોગ્ય ન હોવું.
તાપમાનમાં અચાનક થતો ફેરફાર (વધુ પડતી ગરમી કે ઠંડી).
હલકી ગુણવત્તાવાળો કાચ અથવા ફ્રેમ પર વધારે પડતું દબાણ.
અસુરક્ષિત જગ્યાએ કાચની નાજુક વસ્તુઓ મૂકવી.
બારી કે દરવાજાના કાચ વારંવાર તૂટતા હોય તો નિષ્ણાત પાસે ફિટિંગ કરાવો. વાસ્તુ નિયમો મુજબ પણ ઘરમાં સફાઈ જાળવવી અને તૂટેલી, નકામી વસ્તુઓનો લાંબા સમય સુધી સંગ્રહ ન કરવો એ સુખ-શાંતિ માટે શ્રેષ્ઠ આદત છે.

