VIDEO: સાક્ષાત શ્રીકૃષ્ણનું હૃદય આજે પણ ધબકે છે? જાણો પ્રભુ જગન્નાથની મૂર્તિ બદલવાની 'નવકલેવર' પ્રથા
ભગવાન શ્રી જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા દર વર્ષે ભારે ધૂમધામથી કાઢવામાં આવે છે. ભક્તો આ પાવન દિવસની આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે રથયાત્રાનો પ્રારંભ અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતિયા તિથિ, એટલે કે 16 જુલાઈથી થયો છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ધાર્મિક માન્યતા છે કે જે વ્યક્તિ આ પવિત્ર યાત્રાનો ભાગ બને છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાથે જ, તેને કામ, ક્રોધ અને લોભ જેવા વિકારોથી પણ મુક્તિ મળે છે.
મૂર્તિ બદલવાની અનોખી પરંપરા
શ્રી જગન્નાથ મંદિર સાથે જોડાયેલા અનેક એવા રહસ્યો છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આખી દુનિયામાં ઓડિશાના પુરીનું જગન્નાથ મંદિર એકમાત્ર એવું મંદિર છે, જ્યાં ભગવાનની કાષ્ટ (લાકડા) ની અધૂરી મૂર્તિઓ સ્થાપિત છે અને જેને દર 12 વર્ષે (ક્યારેક 19 વર્ષે) સંપૂર્ણપણે બદલવામાં આવે છે.
આ મહત્વપૂર્ણ પરંપરાને 'નવકલેવર' કહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિ દર 12 વર્ષની આસપાસ કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શનજીની મૂર્તિઓ બદલાય છે.
શું છે આ નવકલેવર પ્રથા?
નવકલેવરનો અર્થ થાય છે 'નવો દેહ' અથવા નવું શરીર. આ પરંપરા અંતર્ગત મંદિરમાં સ્થાપિત જૂની પ્રતિમાઓની જગ્યાએ નવી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ મૂર્તિઓ લાકડાની બનેલી હોવાથી સમય જતાં ક્ષીણ થઈ શકે છે.
આ વિધિની સૌથી ખાસ વાત તેની ગુપ્તતા છે. માન્યતા અનુસાર, જ્યારે મૂર્તિઓ બદલવામાં આવે છે, તે સમયે આખા પુરી શહેરની વીજળી ગુલ (બંધ) કરી દેવામાં આવે છે, જેથી ચારેય બાજુ ઘનઘોર અંધારું થઈ જાય અને આ પ્રક્રિયાને કોઈ જોઈ ન શકે. આ કાર્ય અત્યંત ગુપ્ત રીતે સંપન્ન કરવામાં આવે છે.
ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શનની નવી પ્રતિમાઓ ખાસ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. આ વૃક્ષોની પસંદગી મંદિરના મુખ્ય પૂજારીઓ કરે છે. એવી માન્યતા છે કે આ લીમડાનું ઝાડ આશરે 100 વર્ષ જૂનું હોવું જોઈએ અને તેમાં કોઈ પણ પ્રકારનો દોષ ન હોવો જોઈએ. આ પરંપરા આસ્થા, રહસ્ય અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ છે, જે જગન્નાથ ધામને વધુ વિશેષ બનાવે છે.
આ વિધિ ક્યારે થાય છે?
મૂર્તિ બદલવાની આ પ્રક્રિયા દર વર્ષે નથી થતી. પંચાંગ અનુસાર, જ્યારે અષાઢ મહિનામાં મલમાસ એટલે કે અધિકમાસ આવે છે (એટલે કે જે વર્ષે અષાઢના બે મહિના હોય), તે જ વર્ષે નવકલેવર ઉત્સવ મનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ સમયગાળો 12 થી 19 વર્ષનો હોય છે.
'બ્રહ્મ પદાર્થ' નું સૌથી મોટું રહસ્ય
મૂર્તિઓ બદલવાની આ પ્રક્રિયામાં સૌથી રહસ્યમય અને અલૌકિક ઘટના છે 'બ્રહ્મ પદાર્થ' ને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવો.
ઘનઘોર અંધકાર વચ્ચે વિધિ: જે રાત્રે આ કાર્ય થાય છે, ત્યારે આખા પુરી શહેરની લાઈટો બંધ કરી દેવામાં આવે છે. મંદિર પરિસરમાં પણ સંપૂર્ણ અંધારું કરી દેવાય છે.
આંખો પર પટ્ટી અને હાથમાં મોજા: મંદિરના સૌથી મુખ્ય પૂજારી પોતાની આંખો પર રેશમી પટ્ટી બાંધીને અને હાથમાં જાડું કપડું લપેટીને જૂની મૂર્તિના હૃદય ભાગમાંથી 'બ્રહ્મ પદાર્થ' બહાર કાઢે છે અને તેને નવી મૂર્તિના હૃદય ભાગમાં પધરાવી દે છે.
અદ્ભુત અહેસાસ: જે પૂજારીઓએ આ સેવા કરી છે, તેમનું કહેવું છે કે તેમણે ક્યારેય આ પદાર્થને જોયો નથી, પરંતુ જ્યારે તેઓ તેને હાથમાં લે છે, ત્યારે એવો અહેસાસ થાય છે કે જાણે કોઈ વસ્તુ ધબકી રહી છે (જેમ કે કોઈ જીવંત હૃદય). માન્યતા છે કે આ સાક્ષાત શ્રીકૃષ્ણનું હૃદય છે, જે આજે પણ ધબકે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

