બુધવારે કરો આ સરળ જ્યોતિષીય ઉપાય: બુધ ગ્રહ થશે બળવાન, કરિયર અને વેપારમાં મળશે અઢળક લાભ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહની શુભતા મેળવવા માટે બુધવારે ગણપતિ બાપ્પાની આરાધના, મંત્રોચ્ચાર અને દાન-પુણ્ય કરવાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન ગણેશજીની કૃપાથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે, જ્યારે બુધ ગ્રહ અનુકૂળ થતાં બુદ્ધિ, વેપાર અને કરિયરમાં નવી તકો સાથે મોટો આર્થિક લાભ પ્રાપ્ત થાય છે.
કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત કરવા અને પ્રગતિના દ્વાર ખોલવા માટે શાસ્ત્રોમાં બુધવારના કેટલાક વિશેષ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે:
શિવલિંગ પર મગ અર્પણ કરો:
ભગવાન શિવની આરાધનાથી નવગ્રહોના અશુભ પ્રભાવ શાંત થાય છે. બુધવારે શુદ્ધ જળમાં લીલા મગ ઉમેરીને શિવલિંગ પર જળાભિષેક કરો અથવા આખા લીલા મગ શિવલિંગ પર અર્પણ કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી જૂના દેવાં અને કરજમાંથી મુક્તિ મળે છે.
કિન્નરો પાસેથી મેળવો ₹1 નો સિક્કો:
જ્યોતિષમાં કિન્નરોને બુધ ગ્રહના પ્રતીક માનવામાં આવે છે. બુધવારે કિન્નરોને લીલા વસ્ત્રો, લીલા ફળ કે યથાશક્તિ ધનનું દાન કરો. ત્યારબાદ આશીર્વાદ સ્વરૂપે તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો માંગી લો. આ સિક્કાને ઘરમાં લાવી ધૂપ-દીપ અર્પી લીલા કપડામાં બાંધીને તિજોરી કે ધન રાખવાના સ્થાન પર રાખો. તેનાથી ધનવૃદ્ધિ થાય છે અને વેપાર-નોકરીમાં ઉન્નતિ મળે છે.
મા દુર્ગાની ઉપાસના અને સપ્તશતી પાઠ:
બુધવારનો દિવસ ગણેશજી ઉપરાંત આદ્યશક્તિ મા દુર્ગાની પૂજા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે ‘દુર્ગા સપ્તશતી’નો પાઠ કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે, સંકટો ટળે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
ગાય માતાને લીલું ઘાસ નીરો:
બુધવારે ગૌમાતાને લીલું ઘાસ કે પાલક ખવડાવવી અત્યંત શુભ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી શ્રીગણેશ સહિત ૩૩ કોટિ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને અટકેલાં તમામ કાર્યો સફળ થાય છે.
ગણેશજીને 21 દૂર્વા અર્પણ કરો:
બુધવારે વિઘ્નહર્તા ગણેશજીને ૨૧ દૂર્વા (ધરો) ની ગાંઠ ચઢાવો. જ્યોતિષ મુજબ દૂર્વા રાહુની વનસ્પતિ પણ ગણાય છે. ગણેશજીને દૂર્વા અર્પણ કરવાથી કુંડળીમાં રાહુના દોષ શાંત થાય છે, નકારાત્મકતા દૂર થાય છે અને ગુમાવેલી સમૃદ્ધિ પાછી મળે છે.

