Religion: ગંગા દશેરા પર બની રહ્યો છે ખાસ સંયોગ, આ રીતે પૂજા કરવાથી પાપોમાંથી મળશે મુક્તિ

ગંગા દશેરા પર ગંગા નદીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. સનાતન ધર્મમાં આ દિવસનું વિશેષ સ્થાન છે. ધાર્મિક માન્યતા અનુસાર, રાજા ભગીરથે તેમના પૂર્વજોને મોક્ષ અપાવવા માટે કઠોર તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતાર્યા હતા.
જે દિવસે માં ગંગા પૃથ્વી પર અવતર્યા, તે દિવસને 'ગંગા દશેરા' તરીકે ઉજવવામાં આવે છે. જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની દશમી તિથિ અને હસ્ત નક્ષત્રમાં ગંગાજીનું પૃથ્વી પર આગમન થયું હતું. આ દિવસે ગંગા સ્નાન, અન્ન-વસ્ત્રનું દાન, જપ-તપ અને ઉપવાસ કરવાથી દસ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે.
ગંગાનો મહિમા
મહર્ષિ વ્યાસે પદ્મ પુરાણમાં ગંગાજીના મહિમા વિશે લખ્યું છે કે, શીઘ્ર મુક્તિ મેળવવા ઈચ્છતા તમામ સ્ત્રી-પુરુષો માટે ગંગા એકમાત્ર પરમ તીર્થ છે, જેના માત્ર દર્શન કરવાથી જ તમામ પાપોનો નાશ થાય છે. ભવિષ્ય પુરાણ મુજબ, જે વ્યક્તિ આ દિવસે ગંગાના જળમાં ઊભા રહીને દસ વાર 'ગંગા સ્તોત્ર'નો પાઠ કરે છે, તે ગરીબ કે અશક્ત હોવા છતાં ગંગા પૂજનનું સંપૂર્ણ અને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે.
ઉજવણી અને મેળા
આ તહેવાર નિમિત્તે મંદિરોને વિશેષ રૂપે શણગારવામાં આવે છે, ખાસ કરીને ગંગા કિનારે આવેલા ઘાટ અને મંદિરોની સજાવટ જોવાલાયક હોય છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહાર જેવા રાજ્યોમાં આ પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. લાખો ભક્તો ગંગામાં ડૂબકી લગાવી આરતીમાં ભાગ લે છે. આ પવિત્ર અવસરે અનેક સ્થળોએ મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે.
પૂજા વિધિ
ગંગા દશેરાના દિવસે જો શક્ય હોય તો ગંગા કિનારે સ્નાન કરવું, અન્યથા ઘરના શુદ્ધ જળમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ. પૂજા માટે ગંગાજીની મૂર્તિ કે છબીની સ્થાપના કરો. શાસ્ત્રો અનુસાર ગંગાજીનું સ્વરૂપ ત્રણ નેત્રો અને ચાર હાથ ધરાવતું, શ્વેત વસ્ત્રો અને રત્નોથી સજ્જ તથા વરદ અને અભય મુદ્રાવાળું છે. 'ઓમ નમઃ શિવાયૈ નારાયણ્યૈ દશહરાયૈ ગંગાયૈ નમઃ' મંત્ર દ્વારા ગંગાજીનું આહ્વાન કરો. ત્યારબાદ ષોડશોપચાર (સોળ પ્રકારની સામગ્રી) થી પૂજા કરો. 'ઓમ નમો ભગવતે ઐમ હ્રીં શ્રીં હિલી હિલી મિલી મિલી ગંગા મા પાવય પાવય સ્વાહા' મંત્ર બોલીને પુષ્પ અર્પણ કરો. ભગીરથ રાજા અને હિમાલયની પણ પૂજા કરો. પૂજા બાદ દસ ફળ, દસ દીવા અને તલનું દાન કરવું જોઈએ. જળમાં ઘી મિશ્રિત સત્તુ અને ગોળના લાડુ અર્પણ કરવાનો પણ મહિમા છે. દસ બ્રાહ્મણોને તલ, જવ અને ઘઉંનું દાન આપવું અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

