Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : When sage Mudral rejected even heaven

Dharmlok : જ્યારે મુદ્રલ ઋષિએ સ્વર્ગને પણ ઠુકરાવી દીધું! જાણો સાચા પુણ્યની વ્યાખ્યા

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : જ્યારે મુદ્રલ ઋષિએ સ્વર્ગને પણ ઠુકરાવી દીધું! જાણો સાચા પુણ્યની વ્યાખ્યા
સોર્સ : gstv

- સુરેન્દ્ર શાહ

App Store

એકવાર બ્રહ્માપુત્ર નારદજી ફરતા ફરતા ઇન્દ્રલોક પહોંચ્યા. ઇન્દ્રએ તેમનું સ્વાગત કરી પૃથ્વીના હાલચાલ પૂછયા. નારદજીએ કહ્યું - 'દેવ, પૃથ્વીવાસીઓમાં આજેય કશો ફેર પડયો નથી. ત્યાં હજુય સદ્-અસદ્ વચ્ચે સંઘર્ષ ચાલ્યા જ કરે છે. સામાન્ય પ્રજા હોય, સંત હોય કે બ્રહ્મર્ષિ દરેકને સુખ જોઈએ છે. વ્રત, યજ્ઞા, તપ, દાન કે ધાર્મિક ક્રિયાકાંડ એ બધું કરવાનો હેતુ ફક્ત સ્વર્ગસુખ ભોગવવાનો છે. કોઈને મુક્તિ કે શાંતિ નથી જોઈતી. બધાને સ્વર્ગ જોઈએ છે. દેવ, મને તો બધા સરખા લાગે છે.' ત્યારે ઇન્દ્રએ કહ્યું - 'હશે, કદાચ તમારું નીરિક્ષણ એવું હશે. છતાંય બધા સરખા નથી હોતા. તમને કુરૂક્ષેત્રમાં રહેતા મદ્રલની વાત કહું તે સાંભળો. તે ધર્માત્મા છે. સાદાઈથી જીવે છે. ખાસ કોઈ ઇચ્છા નથી. ખેતર લણાયા પછી જે દાણા બચે તે એકઠા કરી લે છે. તેમાંથી દેવ અને પિતૃ માટે અલગ કરી બાકી જે બચે તે પહેલાં અતિથિ સત્કાર કરી પછી અન્ન આરોગે છે. તેમનું કુટુંબ પણ સંતોષી છે. એકવાર મહામુનિ દુર્વાસા તેમને ત્યાં ગયા. જેટલું અન્ન રાંધેલું હતું તે બધું જ ખાઈ ગયા. પરિવારને ઉપવાસ કરવો પડયો. આવું એક બે દિવસ નહિ ઘણા દિવસો ચાલ્યું. છતાં ઋષિ ના ક્રોધે ભરાયા, ના નારાજ થયા, ના ગભરાયા ! તે દિવસે પણ મુદ્રલ ઋષિએ દુર્વાસાનું ઉમળકાભેર સ્વાગત કર્યું. અન્ન પીરસ્યું. દુર્વાસા જમ્યા. પછી કહ્યું, 'ઋષિ, હવે બસ. આપ ધૈર્ય, દાન, સત્ય અને ઇન્દ્રિયનિગ્રહથી પરિપૂર્ણ છો. તમારા જેવો ધર્માત્મા મેં જોયો નથી. તમે જીવતે જીવત શરીર સાથે સ્વર્ગે જાવ.' આટલું કહેતાં જ એક દેવદૂત તેમને લેવા હાજર થયો. ઋષિ મુદ્રલે પ્રણામ કરી તેમનું સ્વાગત કર્યું. પૂછયું, 'સ્વર્ગે તત્ર સુખં કિં ચ દ્વેષો વા દેવદૂતક' - વનપર્વ મહાભારત) હે દેવદૂત, સ્વર્ગમાં કયું સુખ છે અને ત્યાં કયા દોષ છે તે મને કહો. પછી હું નિર્ણય કરું.' ત્યારે દેવદૂતે સ્વર્ગસુખનું વર્ણન કર્યું. ત્યાં દુ:ખ નથી. ભય નથી, શોક નથી, થાક નથી, મોહ નથી, દ્વેષ નથી, ઘડપણ નથી, મૃત્યુ નથી, વિકાર નથી, વિલાપ નથી, દુર્ગંધ નથી. ત્યાં સુખદાયક સ્પર્શ છે. કર્ણપ્રિય સંગીત છે. અપ્સરાઓનું સાન્નિધ્ય છે. ત્યાં કદી ના મૂરઝાય એવા ફૂલોની સુગંધ છે. મુનિશ્રી, હવે ત્યાંનો દોષ પણ જાણી લો. ત્યાં માણસને કરેલા પુણ્ય જેટલું જ સુખ મળે છે. (સોત દોષો મમ મતસ્તસ્યાન્તે... પતનં પચ્ચ મુદ્રલ) ત્યાં કર્મોનું પુણ્ય ખતમ થતાં જ એક દિવસ પતન થાય છે. ત્યાં ગયા પછી જેનું મન ભોગોમાં લપટાયેલું રહે છે તેમનું અચાનક પતન થતાં જ તેને અપાર દુ:ખ અનુભવવું પડે છે.' ત્યારે મુદ્રલે કહ્યું'હે દૂત, જો પુણ્ય સમાપ્ત થતાં અહીં જ આવવું પડતું હોય તો મારે સ્વર્ગમાં નથી આવવું. જ્યાં જઈને વ્યથિત ના થવાય, શોક ના થાય, એવા વિષ્ણુના પરમધામમાં મારે જવું છે. ત્યાં સુધી આ ધરતી પર રહી અતિથિ સેવા કરીશ. પ્રભુ ભક્તિ કરીશ. શ્રીહરિનું સ્મરણ કરીશ.' - અને નારદજી, તેમણે સ્વર્ગ જતું કર્યું. આપણે ભલે માનીએ કે બધાને સ્વર્ગ જોઈએ છે. સુખ જોઈએ છે. પણ મુદ્રલ જેવા મુનિના મનનું તળિયું તપાસીએ ત્યારે સમજાય કે તે ખરેખર કેવા ધર્માત્મા છે.

આપણે એવા સમયમાં જીવીએ છીએ કે આંખથી અશ્લિલતા જોવા મળે છે. કાનથી દૂષિત વાતો સાંભળવા મળે છે. વ્યવહારમાં મર્યાદાહીન વર્તન જોવા મળે છે. પહેલી નજરમાં કોઈ માણસ સારો દેખાતો નથી. શંકા જાગે છે. કેવો હશે ? છેતરશે ? હુમલો કરશે ? નુકસાન કરશે ?ગેરલાભ ઉઠાવશે ? મીઠી વાતો કરીને બદનામ કરશે ? દુનિયામાં દંભ એટલો વધી ગયો છે કે બાહ્ય દેખાવ પરથી નક્કી નથી કરી શકાતું કે તે સારો છે કે કપટી ? બધા સરખા લાગે છે. પણ શુક્રાચાર્યએ કહ્યું છે. (અયોગ્ય પુરૂષો નાસ્તિ) એવો કોઈ માણસ નથી જે કશા કામનો જ ના હોય. દરેકમાં થોડી ખામી છે થોડી ખૂબી છે. સદ્ છે અસદ્ છે. નીતિ છે અનીતિ છે. ક્રોધ છે, કરૂણા છે. નમ્રતા છે ઉદ્દંડતા છે. કોમળતા છે કઠોરતા છે. ધર્મ છે અધર્મ છે. આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ !

સૌ પ્રથમ તો જો બધા ખરાબ ગણાતા હોય તો આપણે સદ્કર્મ કરી એ ગણત્રીમાંથી નીકળી જઈએ. અલગ પડી જઈએ. બીજાની ઉણપો નહિ ગુણો સ્વીકારીએ. કાન સરવા કરીને નિંદા સાંભળવાનું ટાળીએ. ઝીણી આંખ કરી ખામી જોવાનું જતું કરીએ. માણસ થઈને માણસની બાદબાકી ના કરીએ. આપણી નજરમાં માણસ ગમે તે કક્ષાનો હોય તેની વિનમ્રતા, તેની સાદગી, તેની સારપ, તેની ભાવનાને બિરદાવીએ.

એક આઈસક્રીમ પાર્લર બંધ થવાની તૈયારી હતી. ત્યાંનો વેઈટર થાક્યો હતો. તેને ઘેર જવાની ઉતાવળ હતી. તે પાર્લરનો સામાન સમેટી રહ્યો હતો. ત્યાં એક છોકરો આવીને ખુરશી પર બેઠો. વેઈટરે 'કમને' મોં બગાડીને પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો. 'સર, કોનવાળો ચોકલેટ આઈસક્રીમ કેટલાનો છે ?' 'પચાસ રૂપિયા.' છોકરાએ ખિસ્સામાં હાથ નાખી પૈસા કાઢયા. ગણ્યા. પૂછયું. 'અને વેનિલા કપ કેટલાનો છે ?' 'ચાલીસ રૂપિયા.' 'ઠીક, તો એક વેનિલા કપ આઈસક્રીમ લાવશો ?' વેઈટરે વેનિલા આઈસક્રીમ ટેબલ પર મૂક્યો. બાજુમાં બિલ મુક્યું. અને બીજું કામ કરવા જતો રહ્યો. છોકરાના ગયા પછી વેઈટર ટેબલ સાફ કરવા આવ્યો. તેણે જોયું. બિલના ચાળીસ રૂપિયાની બાજુમાં પાંચ પાંચના બે સિક્કા પડયા હતા. વેઈટરની ટીપના. વેઈટરની આંખો ભીની થઈ ગઈ. મતલબ કે છોકરા પાસે પચાસ રૂપિયા જ હતા પણ વેઈટરને ટીપ આપવા તેણે 'કોન'ની જગ્યાએ વેનિલા આઈસક્રીમ મંગાવ્યો હતો. જેથી તે ટીપ આપી શકે.

ચૈતન્ય મહાપ્રભુના દર્શન કરવા મહારાજા પ્રતાપચંદ્ર ઝંખી રહ્યા હતા. તેમણે શિષ્ય મારફતે આ વાત પહોંચાડી. ચૈતન્ય પ્રભુએ કહ્યું 'રાજા મહારાજાને વળી ભગવાન, ભક્તિ કે અધ્યાત્મ સાથે શું લેવા દેવા ? એ તો ભોગવિલાસી હોય છે.' થોડા દિવસો વીતી ગયા. એક સવારે ચૈતન્ય પ્રભુ મહારાજાના મહેલ પાસેથી પસાર થતા હતા. તેમના કાને 'રાસપંચાધ્યાયી'નું મધુર ગાન પડયું. તે દોડતા અંદર ગયા. જોયું તો મહારાજા મધુર ગાન ગુંજતા હતા. ચૈતન્ય દેવનું માથું ઝૂકી ગયું. ભેટી પડયા. તેમને સમજાઈ ગયું કે બધા રાજાઓ ભોગવિલાસી નથી હોતા. ક્રૂર નથી હોતા. અન્યાયી નથી હોતા.ળ

રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે જો અસત્યને અંદર આવતાં રોકીને બારણા બંધ કરી દઈશું તો કદાચ સત્ય પણ બહાર રહી જશે. જંગલમાં ઊગતી બધી વનસ્પતિ નકામી નથી હોતી. જાણકાર વૈદ્ય ત્યાંથી પણ ઔષધિ લાયક વનસ્પતિ શોધી લાવી દર્દીનો ઇલાજ કરે છે. બધા ગમે તેવા હોય આપણે સારા બનવાનું છે. પ્રભુએ આપણને ધરતી પર એક બીજ રૂપે મોકલ્યા છે. શું જીવનભર એવાને એવા જ રહેવું છે ? ઊગવું નથી ? અંકુરિત થવું નથી ? કોઈને કામ લાગવું નથી ? સુગંધ ફેલાવવી નથી?