Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The Reversal of Saint Kabir

Dharmlok : કેમ કબીરની વાતો ઉલટી લાગે છે? જાણો આત્મદર્શન કરાવતી તેમની ઉલટવાણી

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : કેમ કબીરની વાતો ઉલટી લાગે છે? જાણો આત્મદર્શન કરાવતી તેમની ઉલટવાણી
સોર્સ : gstv

 વિચાર-વીથિકા- દેવેશ મહેતા

App Store

જલ મેં કુંભ, કુંભ મેં જલ હૈ,

બાહર ભીતર પાની ।

ફૂટા કુંભ જલ જલહિ સમાના,

યહ તત્ત્વ કહ્યૌ જ્ઞાની ।।

ઘડામાં પાણી છે અને પાણીમાં ઘડો છે, અંદર અને બહાર પાણી જ પાણી છે. ઘડો ફૂટી જાય તો પાણી પાણીમાં જ મળી જાય છે એમ આત્મા બ્રહ્મમાં લીન થઈ જાય છે.

તૂ તૂ કરતા તૂ હુઆ,

મુઝ મેં રહી ન હૂં ।

જબ આપા પરકા મિટ ગયા,

જિત દેખું તિત તૂ ।।

હું ' તું તું' કહેતો રહ્યો અને અંતે હું તું જ બની ગયો. જ્યારે અહંકાર જતો રહ્યો ત્યારે જ્યાં જોઉં ત્યાં તું જ દેખાય છે.

બૂંદ સમાની સમુદ્રમેં સો ક્ત હેરી જાય।

સમુદ્ર સમાના બૂંદમે

યહ દેખન મેં આય ।।

જ્યારે ટીપું સમુદ્રમાં મળે છે ત્યારે તે અલગ દેખાતું નથી પણ જ્ઞાનીને એવું પણ દેખાય અને અનુભવાય છે કે સમુદ્ર જળના ટીપામાં સમાયેલો છે ! અર્થાત્ બ્રહ્મ (વિરાટ પરમ ચેતના) જીવમાં સમાઈ ગયેલી છે.

- સંત કબીર

ઘણીવાર સંતો અવળવાણી ઉચ્ચારતા હોય છે. અવળવાણી એટલે ઇચ્છાપૂર્વક ઉચ્ચારાયેલી વિરોધાભાસી, ઉલટા શબ્દોમાં કહેલી વાણી. મોટેભાગે સંતો સાચી વાત સીધે સીધે કહેતા નથી. જે છે તેને ઉલટું કહીને અંતરાત્માને ઝકઝોરીને આંતરિક જાગૃતિ ઉત્પન્ન કરે છે. ગૂઢ તત્ત્વનું નિરૂપણ કરનારા રહસ્યવાદી કવિ કબીરના અનેક દોહા અને પદોમાં આવી અવળવાણી જોવા મળે છે જેને હિન્દીમાં ઉલટ બાંસી વાણી કહેવામાં આવે છે. તે મનમાં બંધાઈ ગયેલા ખોટા ખ્યાલોને દૂર કરે છે, માયા-મોહ-અહંકારના બંધનો તોડે છે. સત્યને જોવા જાણવા નવી દ્રષ્ટિ જગાડે છે. ઉલટબાંસી વાણી માત્ર ભાષા નથી પણ અહંકાર વિલય, ચેતના વિકાસ અને મનના આંતરિક ઊંડાણમાં જવાનું સાધન છે. તે Cognitive Dissonance- નસિક વિરુધ્ધાભાસ કે તણાવ પેદા કરે છે જે મનને નવી સમજ આપી જાગૃતિ તરફ દોરી જાય છે.

સંત કબીર કપાળમાં તિલક કરતા, ગળામાં માળા ધારણ કરતા  અને મુખેથી રામ, કૃષ્ણ, હરિનું નામ ઉચ્ચારણ કરતા. મુસલમાન વણકરનો છોકરો આવો બ્રાહ્મણનો વેશ ધારણ કરે એ કેટલાક હિંદુ પંડિતોને ગમતું નહીં. એટલે એકવાર બ્રાહ્મણોએ એમનો વિરોધ કર્યો અને કહ્યું- ' તું તો સાવ બગડી ગયો છે.' કબીરે એનો જવાબ આપતા કહ્યું હતું- 'હા, હું તો સાવ બગડી ગયો છું. હવે તો રામ બચાવે તો બચાય. હવે સંસારમાં મન લાગતું નથી. આખો દિવસ રામનું જ નામ લેવાનું મન થયા કરે છે. પણ જો જે ભાઈ, તું બગડતો નહીં હો ! ધ્યાન રાખજે. રામ તરફ કોઈ દિવસ નજર ના કરતો, ભૂલથી પણ રામનું નામ બોલી ના કાઢતો નહીંતર તે તારા મનને એવું એના તરફ આકર્ષી લેશે કે તું તારા સંસારના મનગમતા વિષયોને છોડીને તેની ભક્તિ કરતો થઈ જઈશ !

કબીરે તેમની ઉલટબાંસી વાણી થકી તેને કહેવા માંડયું- ચંદનની પાસે જે વૃક્ષ ઉગે એ બદલાઈને ચંદનનું થઈ જાય. ગંગામાં જે જળ ભળે તે પોતાના રૂપ અને ગુણ છોડીને ગંગા જળ જ બની જાય છે. એ રીતે રામનું ધ્યાન કરનાર અને નામ ઉચ્ચારણ કરનાર એનું જીવરૂપ છોડીને બ્રહ્મ રૂપ થઈ ગયો છે. હું પણ હવે ભગવત્દ્રૂપ અને એના નામમાં તન્મય થઈ ગયો છું. આને તમે બગડી ગયો કહેતા હો તો હું બગડી ગયો છું. પણ આવું કહેવાની પાછળ એમનો ગૂઢાર્થ તો એવો જ હતો કે રામ-કૃષ્ણ- હરિના સ્વરૂપનું ધ્યાન કરીને અને એમનું નામોચ્ચારણ રૂપ સંકીર્તન કરીને હું લોખંડમાંથી પારસ બની ગયો છું. જીવમાંથી બ્રહ્મ થઈ ગયો છું. મારું સંસારી જીવન બદલાઈ ગયું છે. રામ ભગવાનની ભક્તિ થકી તે સુધરી ગયું છે !

કબીર એક દોહામાં કહે છે- લૂટ સકે તો લૂટ લે, રામ નામકી લૂટ ! પાછે ફિરે પછતાઓગે પ્રાણ જાહિં જબ છૂટ !! લૂંટી શકે તો લૂંટી લે, રામ નામની લૂંટ કરી દે. એટલે કે રામ નામ ઉચ્ચારણનો વધુમાં વધુ લાભ લઈ લે. નહીંતર પછી જ્યારે પ્રાણ છૂટવાનો સમય આવશે ત્યારે તેનો લાભ ન લીધો તેનો પસ્તાવો થશે.'