Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Know what our diet should be like based on the Gita

Dharmlok : જેવું અન્ન એવું મન : ગીતાના આધારે જાણો કેવો હોવો જોઈએ આપણો ખોરાક

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : જેવું અન્ન એવું મન : ગીતાના આધારે જાણો કેવો હોવો જોઈએ આપણો ખોરાક
સોર્સ : gstv

- ભરત અંજારિયા

App Store

માનવ જીવનમાં આરોગ્યની પ્રાપ્તિ જરૂરી છે. આપણું તન તથા મન શુદ્ધ હશે તો ધનની પ્રાપ્તિમાં સરળતા રહેશે. આરોગ્ય અંગેની બેદરકારીથી આજકાલ નાની વયે પણ અનેક રોગો વધ્યા છે ત્યારે વર્ષો પહેલાં શ્રીમદ્ ભગવદ્ગીતામાં આરોગ્યલક્ષી સુત્રો તથા વાતો કહેવાઈ છે તે જાણવા જેવી છે.

ભોજનમાં નિયમિતતાની સાથે ભોજન સમ્યક્, સમયસર તથા માફકસર લેવું જોઈએ. પુરતી ઉંઘ પણ જરૂરી છે. ભોજનમાં વિવેક ખાસ રાખવો જોઈએ. વહેલા સુઈ, વહેલા ઉઠવાથી આરોગ્યને ફાયદો થાય છે. આજકાલ વારંવાર ખાવાની કે બહારનું ખાવાની ટેવ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભુખ લાગે ત્યારે જ ખાવાથી ફાયદો પણ થાય છે. મિતાહાર થવાથી પણ લાભ મળે છે. વર્તમાન સમયમાં આહાર શૈલી તથા જીવનશૈલીમાં આવેલ પરિવર્તનથી લાભ કરતાં વધારે નુકસાન થાય છે.

ભોજનના પણ અમુક નિયમો હોય છે. ભોજન વખતે ભોજનમાં જ ધ્યાન રહે તે જરૂરી છે. જમતાં જમતાં મોબાઈલ જોવો કે ટી.વી. જોવાથી ખાધેલો ખોરાક બરોબર પચતો પણ નથી. ઉભાં ઉભાં (બુફે) જમવાની પ્રથા પણ અયોગ્ય છે. ભોજનને બાજોઠ પર રાખીને પલાંઠી વાળી નીચે બેસીને જમવાથી પાચનક્રિયામાં પણ લાભ થાય છે. ભોજન એ બ્રહ્મ છે, તેને આદર આપવો જરૂરી છે, ઉતાવળે જમવાથી પણ નુકસાન થવાની શક્યતા છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૬ નો ૧૭મો શ્લોક આ પ્રમાણે છે:

યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ ।

યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ।। ૧૭ ।।

દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર-વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે. ।। ૧૭ ।।

આજકાલ મોટા ભાગનાં દર્દો આહારની અનિયમિતતાથી કે પિત્તકારક અને વિરૂદ્ધ આહારથી પણ થતા હોય છે. વળી અન્ન એ બ્રહ્મ છે તેથી અન્નનું અપમાન કે તિરસ્કાર અને બગાડ પણ વ્યાજબી નથી. સાત્વિક આહારથી દીર્ઘાયુષ સાથે નિરામય જીવન પ્રાપ્ત થાય છે. જેવું અન્ન, તેવો ઓડકાર તે કહેવત પણ સાચી છે.

ભગવદ્ ગીતાના અધ્યાય ૧૭ નો ૭ મો શ્લોક નીચે પ્રમાણે છે:-

આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ ।

યજ્ઞાસ્તપસ્તથા દાનં તેષાં ભેદમિમં શ્રૃણુ ।। ૭ ।।

ભોજન પણ સૌને પોત-પોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞા, તપ અને દાન પણ ત્રણ-ત્રણ પ્રકારનાં હોય છે. એમના આ જુદા-જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ. ।। ૭ ।।

માણસની પ્રકૃતિ પર અનાજ કે ખોરાકની અસર પડતી હોય છે. તામસી ખોરાક ખાનાર નો સ્વભાવ ગરમ હોય છે. શુદ્ધ ખોરાકથી સ્વસ્થતા તથા તંદુરસ્તી ટકી રહે છે. ગીતામાં કહ્યું છે કે આહાર રસયુક્ત, આરોગ્ય વર્ધક તથા બળ બુદ્ધિ વધે તેવો હોવો જોઈએ. ઘી, દૂધ, દહીં કે માખણ જેવા સ્નિગ્ધ પદાર્થોથી પણ શરીરની કાંતિ વધે છે. આહાર કુદરતી રસવાળો, જલદી બગડી ન જાય તેવો તથા ચિત્તની પ્રસન્નતા વધે તે પ્રકારનો હોવો જોઈએ. મનને ગમે તેવો સાત્વિક આહારથી આરોગ્ય સુધરે છે. મનની વ્યગ્રતા તથા ચિંતાને વધારે તેવા રાજસી કે તામસી આહારને જાકારો આપવો જોઈએ.ળ

પરમાત્માનું ધ્યાન કરવા માટે, મંત્ર જાપ કરવા માટે પણ ચિત્ત સ્થિર થાય તેવો ખોરાક લેવો જરૂરી છે. 

ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેમ યજ્ઞા, તપ અને દાન ત્રણ પ્રકારનાં હોય છે તેમ આહારના પણ ત્રણ પ્રકાર છે (૧) સાત્વિક, (૨) રાજસિક, (૩) તામસિક. આ ત્રણમાં સાત્વિક આહાર પર પ્રભુ ખાસ ભાર આપે છે. ગીતામાં આહાર મીમાંસાની વિષદ્ છણાવટ જોવા મળે છે જે આટલાં બધાં વર્ષો પછી આજના સંદર્ભમાં પણ એટલી જ સુચક છે.